JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સુરક્ષા

ખંભાતનો દરિયાઈ પટ્ટો ભગવાન ભરોસે, ચાર મરીન કોસ્ટલ પોલીસ ચોકીઓ બંધ હાલતમાં

Oct 29, 2026 | 05:25 | By JAMNAGAR MIRROR
ખંભાતનો દરિયાઈ પટ્ટો ભગવાન ભરોસે, ચાર મરીન કોસ્ટલ પોલીસ ચોકીઓ બંધ હાલતમાં
દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા થયા છે કારણ કે ખંભાતના અંદાજે 55 કિલોમીટર લાંબા દરિયાઈ પટ્ટા પર સુરક્ષા માટે બનાવેલી ચાર મહત્વની મરીન કોસ્ટલ પોલીસ ચોકીઓ હાલ બંધ હાલતમાં છે. સ્થાનિક માછીમારો અને ગ્રામીણોમાં આ બાબતે ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા હંમેશાંથી રાષ્ટ્રીય સલામતીનો અત્યંત સંવેદનશીલ અને ગંભીર મુદ્દો રહ્યો છે, પરંતુ હાલ ખંભાતના દરિયાઈ પટ્ટાની સુરક્ષા વ્યવસ્થા ભગવાન ભરોસે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા તંત્ર સજ્જ હોવું જરૂરી છે, પરંતુ ખંભાતના દરિયાકાંઠે વસતા ગ્રામ્ય વિસ્તારના લોકો અને દરિયો ખેડતા માછીમારોની સલામતી સામે જોખમ તોળાઈ રહ્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, અહીં દરિયાઈ સુરક્ષાને લઈને કોઈ કાયમી કે અસરકારક વ્યવસ્થા જોવા મળતી નથી અને તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવતી હોવાની ખાતરી પણ નથી મળી રહી.

ખાસ કરીને અંદાજે 55 કિલોમીટરના લાંબા દરિયાઈ પટ્ટા પર કડક દેખરેખ રાખવા માટે રાધારી, વડગામ, રાલેજ અને ધુવારણ એમ કુલ 4 મરીન કોસ્ટલ પોલીસ ચોકીઓ બનાવવામાં આવી છે, જે અત્યારે બંધ હાલતમાં હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. જો સુરક્ષાની મુખ્ય જવાબદારી સંભાળતી આ ચોકીઓ જ નિયમિત કે કાર્યરત ન હોય, તો પછી દરિયાકાંઠા પર અસરકારક દેખરેખ કેવી રીતે જળવાઈ શકે તે મોટો પ્રશ્ન છે. અરબી સમુદ્ર સાથે જોડાયેલા ખંભાતના અખાતમાં પોલીસ સ્ટાફની ઉપલબ્ધતા, પેટ્રોલિંગની અનિયમિતતા અને આધુનિક સંચાર સાધનોના અભાવને કારણે સુરક્ષા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

માત્ર કાગળ પર ચાલતી કે નામ પૂરતી પેટ્રોલિંગની કામગીરીથી સુરક્ષાની જવાબદારી પૂરી થઈ જતી નથી, કારણ કે સંવેદનશીલ વિસ્તારોમાં સતત વોચ, શંકાસ્પદ હિલચાલની તાત્કાલિક તપાસ અને સ્થાનિક માછીમારો સાથે યોગ્ય સંકલન હોવું ખૂબ જ અનિવાર્ય છે. અરબી સમુદ્ર સાથે જોડાયેલા આ મહત્વના વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ અવરજવર પર જોખમ ન તોળાય તે માટે સંબંધિત તંત્રએ તાત્કાલિક જાગીને આ ચારેય ચોકીઓની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. જો વહેલી તકે આ ચોકીઓને સંપૂર્ણપણે કાર્યરત કરીને સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન મજબૂત નહીં બનાવાય, તો ભવિષ્યમાં કોઈપણ મોટી સુરક્ષા ચૂક માટે જવાબદાર કોણ તેવા સવાલો સાથે સ્થાનિકોમાં રોષ સતત વધી રહ્યો છે.

LATEST ARTICLES