JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગુંજશે

Oct 29, 2026 | 01:30 | By JAMNAGAR MIRROR
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગુંજશે
પાકિસ્તાનમાં હિન્દુઓ પરના અત્યાચાર અને ધાર્મિક સ્વતંત્રતા પરના હુમલાનો ગંભીર અહેવાલ બ્રિટિશ હિન્દુ ગ્રૂપ દ્વારા રજૂ કરાયા બાદ, યુકે પાર્લામેન્ટરી ગ્રૂપે આ મુદ્દો સરકારી સ્તરે ઉઠાવવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનને અપાતી આર્થિક સહાયને શરતોને આધીન રાખવા અને પીડિતોને આશ્રય આપવા પણ માંગ કરવામાં આવી છે.

લંડનથી સામે આવેલી મહત્વની વિગતો મુજબ, બ્રિટિશ હિન્દુ એડવોકેસી ગ્રૂપ ઇનસાઈટ યુકે દ્વારા ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ફોર બ્રિટિશ હિન્દુસ સમક્ષ પાકિસ્તાનમાં હિન્દુઓ સામેના અત્યાચારો અને ધાર્મિક સ્વતંત્રતાના જોખમો અંગેનો એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે યુકેના એક પાર્લામેન્ટરી ગ્રૂપે ખાતરી આપી છે કે તેઓ પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચારનો આ ગંભીર મુદ્દો બ્રિટિશ સરકાર અને સંસદમાં સત્તાવાર રીતે ઉઠાવશે. આ મામલે ફોરેન ઓફિસને પત્ર લખીને બેઠક યોજવાની અને પાકિસ્તાનને આપવામાં આવતી એડ એટલે કે આર્થિક સહાય પર કાપ મૂકવા અથવા તેને ઘટાડવા પર પણ ગંભીર ચર્ચાઓ કરવામાં આવી છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 1947 પહેલા પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 14.6% હતી, જે ઘટીને આજે માત્ર 1.7% જ રહી ગઈ છે. રિપોર્ટમાં હિન્દુ મંદિરો પરના હુમલાઓ, હિન્દુ અને ક્રिश्चિયન યુવતીઓના ફોર્સ્ડ કન્વર્ઝન એટલે કે બળજબરીપૂર્વક ધર્માંતરણ અને ફોર્સ્ડ મેરેજ જેવા અત્યાચારોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પાકિસ્તાન છોડીને ભાગી ગયેલા હિન્દુઓની પૈતૃક સંપત્તિ અને ખેતીની જમીનો સરકારે એનેમી પ્રોપર્ટી કાયદા હેઠળ છીનવી લીધી હતી, જેના કારણે તેઓ ગરીબીના ચક્રમાં ફસાયા હોવાનું પણ દસ્તાવેજી પુરાવા સાથે દર્શાવવામાં આવ્યું છે. પાકિસ્તાનના બંધારણમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મુસ્લિમ જ હોવા જોઈએ તેવી જોગવાઈ લઘુમતીઓને સેકન્ડ-ક્લાસ નાગરિક તરીકે મૂકે છે અને આ વૈશ્વિક મીડિયામાં પણ ઓછું આવરી લેવાયેલું પાસું છે.

બ્રિટન એ પાકિસ્તાનને વિદેશી સહાય આપનાર સૌથી મોટા દેશોમાં સામેલ છે, ત્યારે આ રિપોર્ટમાં માંગ કરવામાં આવી છે કે બ્રિટિશ સરકારે આ આર્થિક સહાયને લઘુમતી અધિકારોની રક્ષામાં થતી પ્રગતિ સાથે જોડવી જોઈએ. આ સાથે જ પાકિસ્તાનમાં લઘુમતીઓની સામાજિક-આર્થિક સ્થિતિ પર દર 6 મહિને એક સત્તાવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને અત્યાચારનો ભોગ બનેલા ધાર્મિક લઘુમતીઓને યુકેમાં આશ્રય મેળવવા માટેના પાથવેઝ એટલે કે રસ્તાઓ પૂરા પાડવામાં આવે તેવી પણ ભલામણ કરાઈ છે. આ ગંભીર પગલાંઓથી આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પર લઘુમતીઓના રક્ષણ માટેનું દબાણ વધુ વધવાની પૂરી સંભાવના છે.

LATEST ARTICLES