નવી દિલ્હીમાં કેન્દ્રીય IT અને I&B મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે સ્પષ્ટતા કરી છે કે નવો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ પત્રકારત્વની સ્વતંત્રતા પર કોઈ તરાપ મારતો નથી. ન્યૂઝ પબ્લિશર્સ તરફથી એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ કાયદાના કારણે ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ પર રોક લાગી શકે છે અને જાહેર હિતના સમાચારો છાપવામાં અડચણ આવી શકે છે. આ તમામ ચિંતાઓને ફગાવી દેતા મંત્રીએ જણાવ્યું કે ભારતના બંધારણે પત્રકારત્વની સ્વતંત્રતાની જે ગેરંટી આપી છે તે સર્વોપરી છે અને તેના પર આ કાયદાની કોઈ માઠી અસર નહીં પડે.
મંત્રીએ મીડિયા પર્સન્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ કાયદો સુપ્રીમ કોર્ટના પ્રાઈવસીના અધિકારને ફંડામેન્ટલ રાઈટ માનતા ચૂકાદા બાદ જ બનાવવામાં આવ્યો છે. આ કાયદો લાવતા પહેલા અખબારો, ટીવી ચેનલ્સ, મીડિયા પ્રતિનિધિઓ અને IT ઇન્ડસ્ટ્રી સહિતના સ્ટેકહોલ્ડર્સ સાથે 1 વર્ષથી વધુ સમય સુધી લાંબી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તમામ પ્રક્રિયા દરમિયાન સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ડેટા પ્રોટેક્શન એક્ટના કોઈ પણ પ્રોવિઝનથી પ્રેસ કે જર્નાલિઝમની ફ્રીડમ જોખમાશે નહીં. ખાનગી માહિતીનો દુરુપયોગ અટકાવવો અને પત્રકારત્વમાં તેનો કાયદેસરનો ઉપયોગ કરવો બંને અલગ બાબતો છે, જેને આ કાયદામાં અલગ રાખવામાં આવી છે.
આ મુદ્દે ન્યૂઝ પબ્લિશર્સ દ્વારા કાનૂની પડકારો પણ સામે આવ્યા છે ત્યારે સરકાર હવે મામલો થાળે પાડવા માટે સક્રિય બની છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો જર્નાલિસ્ટ્સ કે એડિટર્સના મનમાં હજુ પણ કોઈ શંકા કે પ્રશ્નો હોય, તો સરકાર તેમની સાથે વિગતવાર ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકાર જર્નાલિઝમના કામને સ્પષ્ટપણે સુરક્ષિત રાખવા માટે કાયદામાં યોગ્ય સુધારા કરવા માટે પણ ખુલ્લા મનથી વિચારી રહી છે અને ટૂંક સમયમાં જ તમામ એડિટર્સ અને મીડિયા પ્રોફેશનલ્સને બેઠક માટે આમંત્રણ આપવામાં આવશે.
