નવી દિલ્હીમાં મળેલી યુનિયન કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. તહેવારોની સિઝન એકદમ નજીક છે ત્યારે સરકારે લીધેલા આ નિર્ણયથી દેશના લગભગ 11.6 મિલિયન લોકોને મોંઘવારી સામે મોટી રાહત મળશે. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કેબિનેટની મીટિંગ બાદ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે આ વધારો રેટ્રોસ્પેક્ટિવ એટલે કે પાછલી તારીખ એટલે કે 1 જુલાઈથી અમલી બનશે.
આ નવા વધારા બાદ હવે કર્મચારીઓ અને પેન્શનર્સનો એકંદર ડીએ રેટ અગાઉના 60 ટકાથી વધીને સીધો 63 ટકા પર પહોંચી ગયો છે. સાતમા પે કમિશનની ભલામણોના આધારે સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ એમ બે વખત આ રેટ રિવિઝન કરતી હોય છે. સરકારના આ નિર્ણયથી અંદાજે 4.8 મિલિયન કેન્દ્રીય કર્મચારીઓ અને 6.8 મિલિયન પેન્શનર્સને સીધો ફાયદો થશે. સરકારી તિજોરી પર આ વધારાને કારણે કુલ 10,016 કરોડ રૂપિયાનો વાર્ષિક બોજ પડશે.
માત્ર સાતમું પે કમિશન જ નહીં, પરંતુ સરકારે પાંચમા અને છઠ્ઠા પે કમિશન હેઠળ આવતા કર્મચારીઓના ડીએમાં પણ વધારો કર્યો છે. છઠ્ઠા પે કમિશનના કર્મચારીઓ માટે ડીએ મૂળ પગારના 262 ટકાથી વધારીને 269 ટકા અને પાંચમા પે કમિશનના કર્મચારીઓ માટે 483 ટકાથી વધારીને 497 ટકા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસના એક્ઝિક્યુટિવ્સ અને નોન-યુનિયનાઈઝ્ડ સુપરવાઈઝર્સ માટે પણ 2017ના પે સ્કેલ પર ઔદ્યોગિક મોંઘવારી ભથ્થું 55.7 ટકાથી વધારીને 59.1 ટકા કરી દેવાયું છે.
