અમેરિકાના મેઈન સ્ટેટમાંથી પસાર થતી પેનોબ્સકોટ નદીમાં વર્ષો પહેલા બંધાયેલા કોંક્રિટના બે મોટા ડેમ માછલીઓના સ્થળાંતર માટે સૌથી મોટો અવરોધ બન્યા હતા. નદીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં માછલીઓ સામે પ્રવાહે તરણ કરવા નીકળતી, પરંતુ રસ્તામાં ડેમ આવવાથી તેઓ આગળ વધી શકતી નહોતી. આ સમસ્યાના ઉકેલ માટે પેનોબ્સકોટ રિવર રિસ્ટોરેશન પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2012 અને 2013માં ગ્રેેટ વર્ક્સ ડેમ અને વીએઝી ડેમ એમ બે જૂના ડેમ તોડી પાડવામાં આવ્યા હતા. આ ડેમ હટાવવાથી નદીનો લગભગ 15 કિલોમીટરનો મુખ્ય પ્રવાહ ખુલ્લો થઈ ગયો હતો અને માછલીઓ માટે કુદરતી રસ્તો ફરીથી ધમધમતો થયો હતો.
આ પ્રોજેક્ટના ભાગરૂપે બાકી રહેલા ડેમ પર પણ માછલીઓની અવરજવર માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેમાં મિલફોર્ડ ડેમ પર બનેલી ફિશ લિફ્ટનો પણ સમાવેશ થાય છે. ડેમ હટાવતા પહેલાના વર્ષોમાં, એટલે કે 1978થી 2012 દરમિયાન અહીં વાર્ષિક સરેરાશ માત્ર 556 જેટલી જ રિવર હેરિંગ માછલીઓ નોંધાતી હતી. પરંતુ ડેમ હટાવ્યા બાદ આ આંકડામાં ધરખમ ફેરફાર જોવા મળ્યો અને વર્ષ 2014માં આ સંખ્યા વધીને 180,000ને પાર થઈ ગઈ તથા વર્ષ 2018 સુધીમાં તે આશરે 23 લાખ સુધી પહોંચી ગઈ હતી. તાજેતરમાં 12 ઓક્ટોબર, 2026 સુધીમાં મેઈનના ડિપાર્ટમેન્ટ ઓફ મરાઈન રિસોર્સિસ દ્વારા મિલફોર્ડ ફિશ લિફ્ટ ખાતે 5,852,487 રિવર હેરિંગ માછલીઓનો અસ્થાયી આંકડો નોંધવામાં આવ્યો છે.
આ કુદરતી પરિવર્તન સાબિત કરે છે કે જો નદીઓના સ્વાભાવિક રસ્તામાં આવતા અવરોધો દૂર કરવામાં આવે તો ઇકોસિસ્ટમ કેવી રીતે પુનઃજીવિત થઈ શકે છે. જો કે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તમામ પ્રજાતિઓ સરખી રીતે રિકવર નથી થઈ અને એટલાન્ટિક સાલ્મન જેવી કેટલીક પ્રજાતિઓની સંખ્યા હજુ પણ પ્રમાણમાં ઓછી છે. છતાં આ પ્રોજેક્ટ સમગ્ર દુનિયા માટે એક મોટો સંદેશ આપે છે કે પ્રકૃતિને સાચી રાહ પર લાવવા માટે હંમેશા કંઈક નવું બનાવવાને બદલે વર્ષોથી તેના રસ્તામાં ઉભેલા અવરોધોને હટાવવા વધુ જરૂરી છે.
