JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

રાત્રે અંધારામાં મોબાઈલ વાપરવાની ટેવ આંખો માટે ખતરનાક, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

Oct 28, 2026 | 23:46 | By JAMNAGAR MIRROR
રાત્રે અંધારામાં મોબાઈલ વાપરવાની ટેવ આંખો માટે ખતરનાક, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
અંધારા રૂમમાં વધુ બ્રાઈટનેસ સાથે મોબાઈલ સ્ક્રીન જોવાના કારણે આંખોમાં ડ્રાયનેસ અને થાક જેવી સમસ્યાઓ વધતી હોવાનું તાજા રિસર્ચમાં સામે આવ્યું છે. ૩૦ યુવાનો પર કરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારની આદતથી આંખોના રક્ષણાત્મક સ્તર પર સીધી અસર પડે છે.

રાત્રે સૂતી વખતે લાઈટ બંધ કરીને મોબાઈલ પર મેસેજ ચેક કરવા કે વીડિયો જોવાની ટેવ મોટાભાગના લોકોમાં જોવા મળે છે. ચહેરાની બિલકુલ નજીક અને અંધારામાં માત્ર ફોનની તેજસ્વી સ્ક્રીન સામે રાખીને વાંચવાથી આંખો પર કેટલો ગંભીર પ્રભાવ પડે છે તે અંગે એક નવું રિસર્ચ સામે આવ્યું છે. ઓક્ટોબર 2025માં કન્ટેક્ટ લેન્સ એન્ડ એન્ટિરિયર આઈ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં મોબાઈલ યૂઝ કરતી વખતે આંખોના આંસુના સ્તરની સ્થિરતા, વિઝ્યુઅલ ફેટિગ એટલે કે આંખોનો થાક અને પલકારા મારવાની પેટર્નનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે.

આ રિસર્ચ ચીનની વેનઝોઉ મેડિકલ યુનિવર્સિટીના મેંગ લિન અને તેમની ટીમના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું, જેમાં 30 જેટલા યુવા વાચકોએ ભાગ લીધો હતો. આ પ્રયોગ દરમિયાન દરેક પાર્ટિસિપન્ટે 4 અલગ-અલગ પરિસ્થિતિઓમાં 30 મિનિટ સુધી મોબાઈલ પર વાંચવાનું કામ કર્યું હતું, જેમાં પ્રકાશવાળા રૂમમાં બ્રાઈટ સ્ક્રીન, અંધારા રૂમમાં ડાર્ક સ્ક્રીન, પ્રકાશવાળા રૂમમાં ડાર્ક સ્ક્રીન અને અંધારા રૂમમાં બ્રાઈટ સ્ક્રીન જેવા વિકલ્પો સામેલ હતા. રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ એકદમ અંધારા રૂમમાં હાઈ બ્રાઈટનેસવાળી સ્ક્રીનનો ઉપયોગ કરે છે, ત્યારે આંખોના આંસુના સ્તરમાં સૌથી મોટા ફેરફારો થાય છે અને આંખોમાં થાક તેમજ અપૂર્ણ પલકારા એટલે કે આંખો પૂરી રીતે ન ચોંટાડવાની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે.

આ અભ્યાસ ભલે માત્ર ટૂંકા ગાળાના પ્રયોગ પર આધારિત હોય અને લાંબા ગાળાના નુકસાન વિશે ચોક્કસ દાવો ન કરતો હોય, પરંતુ તે આપણી નાની-નાની આદતો તરફ ધ્યાન દોરે છે. નિષ્ણાતોના મતે રાત્રે સૂતી વખતે એકદમ અંધારામાં ફોનની બ્રાઈટનેસ વધુ રાખીને વાંચવાનું ટાળવું જોઈએ અને સ્ક્રીનનો લાંબો ઉપયોગ કરતી વખતે વચ્ચે બ્રેક લેવો જરૂરી છે. જો આંખોમાં સતત ડ્રાયનેસ, દુખાવો કે ધૂંધળું દેખાવાની સમસ્યા રહે તો સોશિયલ મીડિયા કે ફોનને દોષ આપવાને બદલે તરત જ કોઈ સારા ડોક્ટર કે આઈ કેર પ્રોફેશનલનો સંપર્ક કરવો હિતાવહ છે.

LATEST ARTICLES