મુંબઈ સ્થિત અગ્રણી કંપની વેદાંતાએ સપ્ટેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરીને માર્કેટમાં ધમાકો કર્યો છે. ઝિંક, કોપર અને ફેરો એલૉય્ઝ જેવા બિઝનેસ સાથે જોડાયેલી અનિલ અગ્રવાલની આ કંપનીએ આ ક્વાર્ટરમાં અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. કંપનીનું રેવેન્યુ, ઓપરેટિંગ પ્રોફિટ (Ebitda) અને ચોખ્ખો નફો રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે, જેના કારણે શેરબજારમાં પણ રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે અને કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.
કંપની દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ રેવેન્યુ વાર્ષિક ધોરણે 57 ટકા વધીને ₹25,812 કરોડ પર પહોંચી ગઈ છે. આ સાથે જ કંપનીનો Ebitda ડબલ થઈને ₹9,938 કરોડ થઈ ગયો છે અને ચોખ્ખો નફો તો સીધો 151 ટકા ઉછળીને ₹6,202 કરોડ નોંધાયો છે. ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અજય ગોએલના જણાવ્યા અનુસાર, કંપનીએ આ ક્વાર્ટરમાં ₹4,,624 કરોડનું દેવું ઘટાડ્યું છે અને છેલ્લા 6 મહિનામાં કુલ મળીને આશરે ₹10,000 કરોડનું દેવું ઓછું કર્યું છે. હાલમાં કંપનીનું બેલેન્સ શીટ પરનું દેવું ઘટીને આશરે ₹3,675 કરોડ રહી ગયું છે.
તાજેતરના ડિમર્જર બાદ કંપનીના ઓઇલ અને ગેસ, આયર્ન અને સ્ટીલ, એલ્યુમિનિયમ અને પાવર જેવા બિઝનેસ અલગ થઈ ચૂક્યા છે, જેમાં એલ્યુમિનિયમ બિઝનેસ પર સૌથી વધુ 3.5 અબજ ડૉલરનું દેવું છે. ઉત્તમ કામગીરીને કારણે વેદાંતાનો નેટ ડેબ્ટ-ટુ-Ebitda રેશિયો જૂન ક્વાર્ટરના 0.3 ગણા સામે ઘટીને માત્ર 0.1 ગણો થઈ ગયો છે. કંપનીએ આ ક્વાર્ટરમાં કેપિટલ એક્સપેન્ડિચર પાછળ ₹1,135 કરોડનો ખર્ચ કર્યો છે. આ મજબૂત આંકડાઓ વચ્ચે માર્કેટ અવર્સ દરમિયાન જ પરિણામો જાહેર થતાં BSE પર કંપનીના શેર 3.1 ટકા વધીને ₹233 પર બંધ થયા હતા અને મેનેજમેન્ટે પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કંપની આગામી ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં સંપૂર્ણપણે દેવામુક્ત થઈ જશે.
