ટેકનોલોજી સેક્ટરમાં ખર્ચ ઘટાડવા અને કામકાજ વધુ સ્માર્ટ બનાવવાના નામે કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ એમેઝોને તેના ડિવાઈસ અને સર્વિસ યુનિટમાંથી આશરે 250 કર્મચારીઓની છટણી કરી દીધી છે. ખાસ કરીને સોફ્ટવેર ડેવલપમેન્ટ સાથે જોડાયેલા આ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ છટણી એવા સમયે થઈ છે જ્યારે કંપનીએ તાજેતરમાં જ કિન્ડલ ઈ-રીડર્સ અને ટેબ્લેટ જેવા નવા ગેજેટ્સ માર્કેટમાં ઉતાર્યા છે અને બુધવારે જ એલેક્સા આધારિત એલાર્મ ક્લોક પણ લોન્ચ કર્યું છે.
કંપનીના આ પગલા પાછળનો મુખ્ય હેતુ ઓપરેશનલ એફિશિયન્સી વધારવાનો અને ફ્યુચર પ્રોડક્ટ સ્ટ્રેટેજી સાથે તાલમેલ બેસાડવાનો હોવાનું કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે. બુધવારે સવારે જ એચઆર વાઈસ પ્રેસિડેન્ટ ચેરી રોબિન્સન દ્વારા કર્મચારીઓને મેસેજ અને ઈમેલ મોકલીને આ કઠિન નિર્ણય વિશે જાણ કરવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં જ કંપનીએ તેના કોર રિટેલ સેક્ટરમાંથી પણ આશરે 1000 જોબ્સ કાપી નાખી હતી. એટલું જ નહીં, આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં 16,000 અને ગયા વર્ષે ઓક્ટોબર 2025માં 14,000 કર્મચારીઓને કંપનીએ છૂટા કર્યા હતા, જેનું મુખ્ય કારણ એઆઈ ટેકનોલોજી અને ડેટા સેન્ટર્સ પાછળ કરવામાં આવતું ભારેખમ રોકાણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
એમેઝોન એકમાત્ર એવી કંપની નથી જેણે આ અઠવાડિયે સ્ટાફ ઘટાડ્યો હોય, પરંતુ માઈક્રોસોફ્ટે પણ પોતાના આશરે 60,000 કર્મચારીઓ માટે વોલન્ટરી એક્ઝિટ ઓફરની જાહેરાત કરી છે અને ડ્રોપબોક્સ કંપનીએ પણ તેના ગ્લોબલ વર્કફોર્સમાંથી 9% કર્મચારીઓને ઘટાડવાનો નિર્ણય લીધો છે. ટ્રેકિંગ ડેટા અનુસાર વર્ષ 2026માં અત્યાર સુધીમાં કુલ 670 ટેક કંપનીઓએ છટણી કરી છે, જેના કારણે 197,123 કર્મચારીઓ બેરોજગાર બન્યા છે અને રોજની સરેરાશ 655 લોકો પોતાની નોકરી ગુમાવી રહ્યા છે. ટેક વર્લ્ડની આ મંદી વચ્ચે એમેઝોનની આ નવેસરથી થયેલી છટણીથી કર્મચારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
