ભારતીય સશસ્ત્ર દળો હવે યુદ્ધના મેદાનમાં નિર્ણયો લેવાની ગતિ ઝડપી બનાવવા અને બેટલફિલ્ડ ઇન્ટેલિજન્સનું વિશ્લેષણ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ આગળ વધી રહ્યા છે. હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટેફ અને બેંગલુરુ સ્થિત સરવમ એઆઈ વચ્ચે થયેલા આ 5 વર્ષના કરાર હેઠળ આર્મી, નેવી અને એરફોર્સ માટે એક સમાન એઆઈ ફ્રેમવર્ક વિકસાવવામાં આવશે. આ ડીલનો મુખ્ય હેતુ સેનાની ત્રણેય પાંખો વચ્ચે સેન્સરથી લઈને શૂટર સુધીના ડેટાને કનેક્ટ કરવાનો છે, જેથી કમાન્ડર્સને અલગ-અલગ પ્લેટફોર્મ્સ પરથી મળતી માહિતી સરળતાથી સમજાઈ શકે અને નિર્ણયો લેવામાં સરળતા રહે.
આ પ્રોજેક્ટ માટે સરવમ એઆઈની ખાસ ચાણક્ય ડિવિઝન કામ કરશે, જે નેશનલ સિક્યુરિટી અને ડિફેન્સ માટે બનાવવામાં આવી છે. આ ટેક્નોલોજીમાં કંપનીના લાર્જ ફાઉન્ડેશન મોડેલ સરવમ 105B તેમજ જીઓસ્પેશિયલ અને પર્સેપ્શન સિસ્ટમનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ સેટેલાઇટ, રડાર અને ડ્રોન જેવા સ્ત્રોતોમાંથી આવતા વિશાળ ડેટાને પ્રોસેસ કરીને શત્રુના ટાર્ગેટને ઓળખવામાં અને પ્રાયોરિટી નક્કી કરવામાં મદદ કરશે. અગાઉ પણ ભારતીય સેનાએ મિલેટ્રી ઓપરેશન્સમાં એઆઈનો સફળ ઉપયોગ કર્યો છે, જેમાં મે 2025માં ઓપરેશન સિંદૂર દરમિયાન 23 એઆઈ એપ્લિકેશન્સની મદદથી ટાર્ગેટિંગમાં 94% ચોકસાઈ મળી હતી.
આધુનિક યુદ્ધોમાં એઆઈના ઉપયોગના ફાયદાની સાથે તેના જોખમો પણ સામે આવ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં અમેરિકા દ્વારા ઇરાન સામેના અભિયાન દરમિયાન જોવા મળ્યું હતું, જ્યાં એઆઈના વધુ પડતા ભરોસાને કારણે ગંભીર ભુલો થઈ હતી. આ જ કારણ છે કે ભારતીય સેના સાથેના આ કરારમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એઆઈ માત્ર ટાર્ગેટ શોધીને ભલામણ કરશે, પરંતુ હુમલો કરવાનો અંતિમ ઓપરેશનલ નિર્ણય હંમેશાં માનવ કમાન્ડર્સના હાથમાં જ રહેશે. સરવમ એઆઈ પોતાની સાર્વગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સંવેદનશીલ ડેટાને સુરક્ષિત રાખશે, જે ભવિષ્યમાં ભારતીય રક્ષા ક્ષેત્ર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
