દિલ્હીમાં સ્ટ્રીટ એનિમલ્સ અને અશક્ત મૂંગા પશુઓની સેવા માટે જાણીતી એક્ટિવિસ્ટ જાગૃતિ મિશ્રાની મહેનત પર અચાનક પાણી ફરી વળ્યું જ્યારે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના નિઝામપુર ગામમાં બની રહેલા એનિમલ શેલ્ટરની બાઉન્ડ્રી વોલ કોઈ નોટિસ વગર તોડી પાડવામાં આવી હતી. સ્ટ્રીટ વર્લ્ડઝ ટ્રસ્ટ ચલાવતી જાગૃતિએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તે કાટમાળ જોડે બેસીને રડતી નજરે પડી હતી. “તોડ દીયા મેરે બચ્ચો કા ઘર” કહેતો આ ભાવનાત્મક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો અને તેને 50 મિલિયનથી વધુ Views મળ્યા, જેના કારણે આખો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.
આ ઘટના 24 ઓક્ટોબર 2026ના રોજ બની હતી, જ્યાં જાગૃતિ મિશ્રાનું કહેવું છે કે કોઈપણ પૂર્વ સૂચના વગર શેલ્ટરનું બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું અને તેની પાસે પૈસાની માંગણી પણ કરવામાં આવી હતી. આ વાયરલ વીડિયો દિલ્હી સરકાર સુધી પહોંચતા જ 25 ઓક્ટોબરના રોજ દિલ્હીના ચીફ મિનિસ્ટર રેખા ગુપ્તાએ જાગૃતિ સાથે મુલાકાત કરી હતી અને ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાંથી શેલ્ટરના નિર્માણ માટે 5 લાખ રૂપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરી હતી. આ સાથે જ સરકારે આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા હતા અને 26 ઓક્ટોબરના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરતા જુનિયર એન્જિનિયર વિકાસ કુમાર ગુપ્તાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મૂળ બિહારની રહેવાસી અને છેલ્લા 6 વર્ષથી વધુ સમયથી ઘાયલ, વિકલાંગ તેમજ પેરેલાઈઝ્ડ સ્ટ્રીટ ડોગ્સ અને અન્ય પશુઓની સંભાળ રાખતી જાગૃતિ મિશ્રા 100થી વધુ પ્રાણીઓને આશરો આપી રહી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું કે સોશિયલ મીડિયાની તાકાતથી એક સામાન્ય નાગરિક પણ અવાજ ઉઠાવીને સિસ્ટમનું ધ્યાન ખેંચી શકે છે અને ન્યાય મેળવી શકે છે. હાલ તો આ મામલાની તપાસ ચાલુ છે, પરંતુ આ ઘટનાએ એનિમલ વેલફેર અને મૂંગા જીવો માટે કામ કરતા કાર્યકરોની મુશ્કેલીઓ અને તેમની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર દેશભરમાં મોટો બનાવી દીધો છે.
