મુસાફરોથી ભરેલી ચાલતી ટ્રેનને અકસ્માત અડફેટે ચઢાવીને ભારે ખુવારી સર્જવા અને લૂંટફાટ કરવાના નાપાક ઇરાદાઓ સામે ન્યાયતંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. બોટાદ જિલ્લામાં બનેલી એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં ઓખા-ભાવનગર ટ્રેનને ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકીને ઉથલાવી નાખવાના ઘૃણાસ્પદ પ્રયાસને અદાલતે ગંભીરતાથી લીધો છે. ગ ગત 25 સપ્ટેમ્બર 2024ની રાત્રે રેલવે સુરક્ષા સામે મોટો ખતરો ઉભો કરનાર આ કાવતરાનો પર્દાફાશ કરીને બોટાદ કોર્ટે સંડોવાયેલા બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
આ ગંભીર ગુનાની વિગતો મુજબ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામમાં રહેતા 55 વર્ષીય રમેશ કાનજી સલિયા અને 24 વર્ષીય જયેશ ઉર્ફે જાલો નાગરભાઈ બાવળિયા નામના શખ્સોની સંડોવણી આ કેસમાં સાબિત થઈ હતી. આ બંનેએ ભેગા મળીને કુંડલી પાસે ચાલુ ટ્રેનને નુકસાન પહોંચાડવા અને પાટા પરથી ઉતારી દેવા માટે રેલવે ટ્રેક ઉપર જાણી જોઈને લોખંડનો ટુકડો મૂક્યો હતો. ટ્રેનમાં સફર કરતા અસંખ્ય નિર્દોષ મુસાફરોના જીવ જોખમમાં મૂકીને તેમને લૂંટવાના હેતુથી આ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર રેલવે તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હચમચ મચી ગઈ હતી.
આ કેસની અદાલતમાં ચાલેલી લાંબી સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓ નિર્ણાયક સાબિત થયા હતા. કોર્ટમાં સરકારી પક્ષ દ્વારા કુલ 55 દસ્તાવેજી પુરાવા અને 15 જેટલા મહત્વના સાક્ષીઓની મજબૂત રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે આરોપીઓનો ગુનો પૂરેપૂરો સાબિત થયો હતો. તમામ પુરાવાઓ અને તથ્યોને ધ્યાનમાં રાખીને બોટાદ કોર્ટે રમેશ કાનજી સલિયા અને જયેશ ઉર્ફે જાલો નાગરભાઈ બાવળિયાને દોષિત જાહેર કરીને જન્મટીપ એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે. રેલવે સુરક્ષા સામે ચેડાં કરનારા અસામાજિક તત્વો માટે આ ચુકાદો એક કડક દાખલો બેસાડનાર સાબિત થશે.
