બુધવારના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વની સુનાવણીમાં સ્પષ્ટતા કરી છે કે ઇલેક્શન કમિશન દ્વારા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન મતદાતાઓની વિગતો ચકાસવા માટે વપરાતી "લોજિકલ ડિસ્ક્રિપેન્સી" કેટેગરીની કાયદેસરતા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી તથા જસ્ટિસ વી મોહનાની બેન્ચે જણાવ્યું કે વેસ્ટ બંગાળમાં ચૂંટણી પંચને આ કેટેગરી વાપરવાની મંજૂરી આપતો તેનો અગાઉનો આદેશ માત્ર એક વચગાળાનું પગલું જ હતું. કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું કે બિહારમાં એસઆઈઆરની પ્રક્રિયા અંગેના કોર્ટના રુલિંગથી રિવિઝન પ્રોસેસને લગતા દરેક કાનૂની સવાલનો અંત નથી આવી ગયો.
આ સ્પષ્ટતા દિલ્હીમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન વોટર્સને ફટકારવામાં આવેલી નોટિસમાં પારદર્શિતાના અભાવના આરોપવાળી અરજીની સુનાવણી દરમિયાન આવી હતી. ઇલેક્શન કમિશન તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ ડી એસ નાયડુએ દલીલ કરી હતી કે કોર્ટે એસઆઈઆર પ્રક્રિયાના તમામ તબક્કાઓની ચકાસણી કરીને તેની વેલિડિટી માન્ય રાખી છે. જો કે, જસ્ટિસ બાગચીએ આ દલીલ ફગાવી દીધી અને જણાવ્યું કે બિહાર કે વેસ્ટ બંગાળમાં આપેલી મંજૂરી કોઈ આખરી ચુકાદો નથી. આ સાથે જર્જે એવી પણ ચેતવણી આપી હતી કે સુનાવણી દરમિયાન કરવામાં આવતી મૌખિક ટિપ્પણીઓને ક્યારેય અંતિમ ચુકાદો ન માનવો જોઈએ, કારણ કે સંવેદનશીલ મામલાઓમાં આવી ટિપ્પણીઓને સંદર્ભ વગર ટાંકવામાં મુશ્કેલી સર્જાય છે.
ઉલ્લેખનીય છે કે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ઇલેક્શન કમિશન મતદારોના રેકોર્ડમાં રહેલી વિસંગતતાઓને પકડવા માટે "લોજિકલ ડિસ્ક્રિપેન્સી" કેટેગરીનો ઉપયોગ કરે છે. આ અસંગતતાઓ ERONet નામના ચૂંટણી પંચના સેન્ટ્રલાઈઝ્ડ ટેક્નોલોજી પ્લેટફોર્મ દ્વારા ઓટોમેટેડ ચેક્સના માધ્યમથી ઓળખવામાં આવે છે. જ્યારે મતદારની પ્રોફાઇલ અથવા પરિવારના સભ્યોની વિગતોમાં ગણતરીની દ્રષ્ટિએ, બાયોલોજિકલ કે ક્લેરિકલ રેકોર્ડમાં કોઈ મેળ ન બેસે ત્યારે આવા ફ્લેગ્સ સામે આવે છે. આ કેટેગરીનો મુખ્ય હેતુ શંકાસ્પદ એન્ટ્રીઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવાનો છે, અને આ સમગ્ર મામલે કોર્ટમાં આગામી દિવસોમાં વધુ સુનાવણીઓ થઈ શકે છે.
