JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ક્યારેક હાથમાં રાખવાની શાન ગણાતી બ્લેકબેરી હવે એઆઈ રોબોટ્સની દુનિયામાં ધમાકો કરવા તૈયાર

Oct 28, 2026 | 19:40 | By JAMNAGAR MIRROR
ક્યારેક હાથમાં રાખવાની શાન ગણાતી બ્લેકબેરી હવે એઆઈ રોબોટ્સની દુનિયામાં ધમાકો કરવા તૈયાર
કી-બોર્ડવાળા ફોનથી દુનિયાભરમાં રાજ કરનાર બ્લેકબેરી કંપનીએ હવે સમય સાથે મોટો બદલાવ કર્યો છે. સ્માર્ટફોન માર્કેટથી દૂર થઈને કંપનીએ હવે એઆઈ આધારિત રોબોટિક ટેકનોલોજી અને QNX ઓપરેટિંગ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના કારણે તેના બિઝનેસમાં મોટો ઉછાળો આવ્યો છે.

એક સમય હતો જ્યારે ફિઝિકલ કી-બોર્ડવાળા બ્લેકબેરી ફોન યુવાનોથી લઈને મોટા બિઝનેસમેન સુધીના દરેકની પહેલી પસંદ હતા અને આ જમાનો બ્લેકબેરીનો હતો. પરંતુ ટચસ્ક્રીન સ્માર્ટફોન અને એપલના આઈફોન આવ્યા બાદ આ બ્રાન્ડ પાછળ રહી ગઈ હતી અને લોકોએ તેને ભુલાવી દીધી હતી. જો કે, આ પડકારજનક સમયમાંથી બહાર આવીને કેનેડિયન ટેકનોલોજી કંપનીએ હવે એક મોટો અને શાનદાર યુ ટર્ન લીધો છે. CEO જ્હોન ગિયામાટેઓની આગેવાનીમાં કંપનીએ હવે મોબાઈલ ફોન સેક્ટર છોડીને સીધા એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત રોબોટ્સ અને સોફ્ટવેર ક્ષેત્રે ઝંપલાવ્યું છે. હવે આ કંપની માત્ર ફોન પૂરતી સીમિત નથી રહી, પરંતુ દુનિયાના ખૂણે ખૂણે તેની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ પરિવર્તન પાછળ કંપનીની દમદાર QNX ઓપરેટિંગ સિસ્ટમ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આજે દુનિયાભરની 275 મિલિયનથી વધુ કારમાં આ સિસ્ટમ ચાલી રહી છે, જેમાં ઇલેક્ટ્રોનિક બ્રેકિંગથી લઈને સેમિ-ઓટોનોમસ ડ્રાઇવિંગ ફિચર્સનો સમાવેશ થાય છે. હવે કંપની કાર ઉપરાંત રોબોટિક્સ, સરકારી સિસ્ટમ્સ, મેડિકલ સાધનો અને સપ્લાય ચેઈન જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. જે રીતે એઆઈ ટેકનોલોજી ટેક્સ્ટ કે વિડિયો બનાવે છે, તેનાથી અલગ આ ફિઝિકલ એઆઈ મશીનોને વાસ્તવિક દુનિયામાં સુરક્ષિત રીતે ફરવા અને કામ કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે રોબોટિક્સ આજે QNX પોર્ટફોલિયોનું સૌથી ઝડપથી આગળ વધતું સેગમેન્ટ બની ગયું છે.

આ રણનીતિક બદલાવથી કંપનીની આર્થિક સ્થિતિમાં પણ જોરદાર સુધારો જોવા મળ્યો છે. QNX રોયલ્ટી બેકલોગ વધીને 1.2 બિલિયન ડોલરને પાર થઈ ગયો છે, જેમાં માત્ર 2 ક્વાર્ટરમાં 250 મિલિયન ડોલરથી વધુનો વધારો થયો છે. ખાસ કરીને ચિપમેકર કંપની Nvidia સાથેની ભાગીદારીથી બ્લેકબેરીને મોટો ફાયદો થયો છે, જ્યાં Nvidia એ તેના હેલો સેફ્ટી સ્ટેક માટે QNX ને પસંદ કર્યું છે. આનાથી ઓટોનોમસ મોબાઈલ રોબોટ્સ, રોબોટિક ફોર્કલિફ્ટ અને વેરહાઉસના ઓટોમેટેડ મશીનોમાં આ સોફ્ટવેરનો ઉપયોગ વધી ગયો છે. આ શાનદાર પ્રદર્શનના જોરે માત્ર 2026માં જ બ્લેકબેરીના સ્ટોકમાં 142% નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે, જે કંપનીની શાનદાર વાપસી દર્શાવે છે.

LATEST ARTICLES