JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

રાજકોટમાં સફાઈની વેઠ ઉતારતી 3 એજન્સીઓ સામે મનપા લાલઘૂમ, રૂ. 32 કરોડના બિલ અટકાવ્યા

Oct 28, 2026 | 18:10 | By JAMNAGAR MIRROR
રાજકોટમાં સફાઈની વેઠ ઉતારતી 3 એજન્સીઓ સામે મનપા લાલઘૂમ, રૂ. 32 કરોડના બિલ અટકાવ્યા
રાજકોટ શહેરમાં ડોર ટૂ ડોર કચરા કલેક્શન અને સફાઈ કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર 3 અગ્રણી એજન્સીઓ સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. મનપાએ આ એજન્સીઓના અંદાજે રૂ. 32 કરોડથી વધુના જંગી બિલ અટકાવી દીધા છે, જેના કારણે કોન્ટ્રાક્ટરોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને કામદારોના પગારનો પ્રશ્ન પણ ઊભો થયો છે.

રાજકોટ શહેરમાં સ્વચ્છતા અને કચરા કલેક્શનની કામગીરીમાં ચાલી રહેલી ભારે અનિયમિતતાઓ અને વેઠ ઉતારવાની ફરિયાદોને ગંભીરતાથી લઈને મનપા તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. શહેરમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન અને સફાઈમાં ગંભીર બેદરકારી દાખવતી 'ૐ સ્વચ્છતા', 'એવરગ્રીન' અને 'અર્હમ' નામની ત્રણ મુખ્ય એજન્સીઓ સામે મનપાએ લાલ આંખ કરી છે. આ એજન્સીઓ દ્વારા નિયમ મુજબ કચરો ન ઉઘરાવાતો હોવાની અને કામગીરીમાં ભારે લાલિયાવાડી ચલાવાતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી, જેને પગલે મનપાએ આ ત્રણેય એજન્સીઓના અંદાજે રૂ. 32 કરોડથી વધુના જંગી બિલ રોકી દીધા છે.

શહેરમાં સફાઈ માટે અંદાજે રૂ. 1200 કરોડ જેટલા માતબર રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ ખરાબ હોવાથી મનપા તંત્ર દોડતું થઈ ગયું છે. મનપાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી એજન્સીઓ સફાઈ અને કચરા કલેક્શનની ગુણવત્તામાં સુધારો નહીં કરે ત્યાં સુધી એક પણ રૂપિયો ચૂકવવામાં નહીં આવે. જો કે, આ રૂ. 32 થી 33 કરોડના બિલ અટકવાના કારણે આ કોન્ટ્રાક્ટ હેઠળ જમીની સ્તરે કામ કરતા ડ્રાઇવરો, સફાઈ કામદારો અને ક્લીનરોના સમયસર પગાર અટકી જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેથી મજૂર વર્ગના કર્મચારીઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મનપાના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે શહેરીજનોના આરોગ્ય અને સ્વચ્છતા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ સાંખી લેવામાં નહીં આવે. જો આ એજન્સીઓ પોતાની કામગીરી તાત્કાલિક ધોરણે નહીં સુધારે તો ભવિષ્યમાં તેમના સામે વધુ કાયદાકીય અને દંડાત્મક પગલાં ભરવામાં આવશે. મનપાના આ અચાનક અને કડક વલણને કારણે સમગ્ર રાજકોટ શહેરમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે તેમજ અન્ય કોન્ટ્રાક્ટરોમાં પણ સફાઈ વ્યવસ્થા સુધારવા માટે દોડધામ મચી ગઈ છે.

LATEST ARTICLES