JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

વાૈશુ સબકા બદલા લેના હૈ: ઝિમ્બાબ્વે સામે વિકેટકીપર યસ્તિકાના ડાયલોગે મચાવી ધમાલ

Oct 28, 2026 | 17:40 | By JAMNAGAR MIRROR
વાૈશુ સબકા બદલા લેના હૈ: ઝિમ્બાબ્વે સામે વિકેટકીપર યસ્તિકાના ડાયલોગે મચાવી ધમાલ
વડોદરામાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં વિકેટકીપર યસ્તિકા ભાટિયાએ બોલર વૈષ્ણવી શર્માને ઉત્સાહિત કરવા ફિલ્મી ડાયલોગ માર્યો હતો, જેના જવાબમાં વૈષ્ણવીએ શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી.

વડોદરામાં રમાયેલી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી મહિલા વનડે મેચ દરમિયાન મેદાન પર એક રસપ્રદ નજારો જોવા મળ્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાની વિકેટકીપર યસ્તિકા ભાટિયાએ હિન્દી મૂવી ગેંગ્સ ઓફ વાસેપુર 2 નો પ્રખ્યાત ડાયલોગ બોલીને સ્પિનર વૈષ્ણવી શર્મામાં જોશ ભર્યો હતો. મેચમાં જ્યારે ૨૦ વર્ષની વૈષ્ણવી ઝિમ્બાબ્વેની બેટર્સને પરેશાન કરી રહી હતી, ત્યારે યસ્તિકાએ સ્ટમ્પ પાછળથી મજાકિયા અંદાજમાં કહ્યું કે, વૈશુ સબકા બદલા લેના હૈ, બાપ કા, દાડા કા, ભાઈ કા. આ ફિલ્મી ડાયલોગ સાંભળીને ખેલાડીઓ અને ફેન્સ પણ મનોરંજનની સાથે ઉત્સાહમાં આવી ગયા હતા અને આ પળ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં રહી હતી.

યસ્તિકાના આ પ્રોત્સાહનનો ભરપૂર ફાયદો ઉઠાવતા યુવા સ્પિનર વૈષ્ણવી શર્માએ કમાલ કરી બતાવી અને ઝિમ્બાબ્વેની બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરી નાખી હતી. વૈષ્ણવીએ પોતાની શાનદાર બોલિંગના જોરે ૧૦ ઓવરમાં માત્ર ૩9 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જે તેની વનડે કરિયરની પહેલી 5 વિકેટ હોલ છે. તેણે પોતાની ઓવરના છેલ્લા બોલ પર પાંચમી વિકેટ મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઝિમ્બાબ્વેની ટીમ આખી મેચમાં સંઘર્ષ કરતી નજરે પડી હતી અને માત્ર 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મહેમાન ટીમ તરફથી મોડેસ્ટર મુપાચિકવાએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી સયાલી સત્ઘારે અને ક્રાંતિ ગૌડે પણ 2-2 વિકેટ ઝડપીને ઉત્તમ સાથ આપ્યો હતો.

અગાઉથી જ સીરીઝ જીતી ચૂકેલી ભારતીય ટીમે આ ત્રીજી વનડે માટે પ્લેઇંગ 11 માં હરલીન દેઓલ, યસ્તિકા અને ક્રાંતિ ગૌડ જેવા ખેલાડીઓને તક આપીને કેટલાક ફેરફારો કર્યા હતા. ઝિમ્બાબ્વેના બેટર્સ શરૂઆતથી જ ભારતીય બોલિંગ સામે દબાણમાં દેખાયા હતા અને સાયલીએ પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપીને શાનદાર શરૂઆત કરાવી હતી. ત્યારબાદ વૈષ્ણવીએ પોતાની ઘાતક સ્પિન બોલિંગના જાદુથી એક પછી એક બેટર્સને પેવેલિયન ભેગા કર્યા હતા. આ શાનદાર જીત અને યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ભારતીય ટીમનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે અને ક્રિકેટ વર્તુળોમાં આ મેચની ખૂબ ચર્ચા થઈ રહી છે.

LATEST ARTICLES