દિલ્હીમાં ટાટા ગ્રુપના વિવાદને લઈને શાસક અને વિપક્ષ વચ્ચે રાજકારણ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકસભામાં ઓપોઝિશન લીડર રાહુલ ગાંધીએ બુધવારે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની સલાહનો આક્રમક અંદાજમાં જવાબ આપ્યો હતો. તાજેતરમાં રાહુલે આરોપ લગાવ્યો હતો કે ટાટા ગ્રુપને ક્રિમિનલી નષ્ટ કરવામાં આવી રહ્યું છે અને બિઝનેસમેન ડરના કારણે બોલતા નથી. આ નિવેદન પર પલટવાર કરતા નિર્મલા સીતારમણે રાહુલ ગાંધી પર આ મુદ્દાનું રાજકારણ કરવાનો અને દરેક જગ્યાએ ભૂત જોવાનું બંધ કરવાની સલાહ આપી હતી, જેના જવાબમાં રાહુલે 4 મુદ્દાનો પાવરફુલ પલટવાર કર્યો છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સવાલ કર્યો હતો કે કયા કાનૂની અને કોમર્શિયલ મામલા હેઠળ ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા સન્સના પ્રતિનિધિઓની હોમ મિનિસ્ટર અમિત શાહના ઘરે મિટીંગ યોજાઈ હતી? તેમણે ક્રોની કેપિટલિઝમનો મુદ્દો ઉઠાવતા પૂછ્યું કે ક્રોની નંબર 1 આ રમતમાં ક્યારે એન્ટ્રી કરશે અને તેને ટાટાના કયા હિસ્સા મળશે? આ સાથે જ રાહુલે કટાક્ષ કર્યો હતો કે દેશના 3 થી 4 ખાસ ઉદ્યોગપતિઓને બાદ કરતા બાકીના તમામ બિઝનેસમેનો આ સરકારથી પહેલેથી જ નફરત કરે છે અને તેમને કોઈ ઉશ્કેરણીની જરૂર નથી. બીજી તરફ, ફાઇનાન્સ મિનિસ્ટરે કોંગ્રેસના જૂના લાઇસન્સ-કોટા રાજની યાદ અપાવતા કહ્યું હતું કે રાહુલ ગાંધી સંકુચિત રાજકીય હેતુઓ માટે અર્થવ્યવસ્થામાં અવિશ્વાસ ફેલાવી રહ્યા છે.
આ સમગ્ર વિવાદ મૂળરૂપે ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનની ફરીથી નિમણૂક કરવાના મામલે ચાલી રહેલા આંતરિક મતભેદોમાંથી શરૂ થયો છે. ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ નિમણૂક સામે વાંધો ઉઠાવતા પ્રક્રિયાગત અનિયમિતતાઓ હોવાનો દાવો કર્યો છે અને રેગ્યુલેટર્સને પણ આ અંગે પત્ર લખ્યો છે. એક તરફ જ્યાં સરકાર ઉદ્યોગો અને જોબ ક્રિએશનને પ્રોત્સાહન આપવાની વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ વિપક્ષ આ મામલે સરકાર અને ઉદ્યોગ જગતની મૌન ધારણ કરવાની નીતિ સામે આક્રમક બન્યો છે. આ રાજકીય અને કોર્પોરેટ ઘમાસાણ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.
