JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

દિવાળી પહેલા રાજકોટ પોલીસ એક્શન મોડમાં, આજી જીઆઇડીસીમાં ડીસીપીની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ

Oct 28, 2026 | 17:40 | By JAMNAGAR MIRROR
દિવાળી પહેલા રાજકોટ પોલીસ એક્શન મોડમાં, આજી જીઆઇડીસીમાં ડીસીપીની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ
દિવાળીના તહેવારો ટાણે રાજકોટના આજી જીઆઇડીસી વિસ્તારમાં તાજેતરની કરોડની લૂંટની ઘટનાને પગલે પોલીસ સતર્ક બની છે. ડીસીપી ઝોન-1 હેતલ પટેલની અધ્યક્ષતામાં સઘન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું અને ઉદ્યોગપતિઓ સાથે સુરક્ષા મુદ્દે મહત્વની બેઠક યોજીને સીસીટીવી તેમજ પોલીસ વેરિફિકેશન જેવા કડક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. વેપારીઓ અને સામાન્ય નાગરિકો નિર્ભયપણે તહેવારોની ઉજવણી કરી શકે તે માટે ડીસીપી ઝોન-1 હેતલ પટેલની અધ્યક્ષતામાં આજી જીઆઇડીસી વિસ્તારમાં કોમ્બિંગ અને સઘન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. તાજેતરમાં જ આજી જીઆઇડીસીમાં આવેલા તન્વી ગોલ્ડ નામના કારખાનામાં રૂ. 1.53 કરોડની સશસ્ત્ર લૂંટની મોટી ઘટના બની હતી, જેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ વધુ એલર્ટ બન્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકની સૂચનાથી આ વિશેષ સુરક્ષા કોર્ડન તૈયાર કરવામાં આવ્યું છે.

આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ શક્તિસિંહ સોઢા, એલસીબી ઝોન-1ના પીએસઆઈ એમ.કે.મોવલીયા અને બહોળી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. પોલીસ કાફલાએ આજી જીઆઇડીસીના મુખ્ય માર્ગો, શેરીઓ, ઔદ્યોગિક એકમો, ગોડાઉનો અને નાકાઓ પર રૂૂટ માર્ચ કર્યો હતો. આ દરમિયાન શંકાસ્પદ વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને અજાણ્યા તથા શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા ઈસમોની કડક પૂછપરછ કરાઈ હતી. પેટ્રોલિંગ બાદ ડીસીપી હેતલ પટેલની અધ્યક્ષતામાં આજી જીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં પોલીસ દ્વારા કારખાનેદારોને ફેક્ટરીઓ અને વ્યાપારી એકમોની સુરક્ષા માટે કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં તમામ એકમો પર નાઈટ વિઝન અને હાઈ-રિઝોલ્યુશન વાળા સીસીટીવી કેમેરા લગાવવા, શંકાસ્પદ વ્યક્તિ કે વાહન જણાય તો તરત પોલીસને જાણ કરવી, નવા કર્મચારીઓ અને સિક્યોરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાવવું તેમજ મોટી રોકડ કે કિંમતી ધાતુઓની હેરફેર વખતે સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ પોલીસ નાગરિકોની સુરક્ષા માટે 24 કલાક કટિબદ્ધ છે અને તહેવારો દરમિયાન રાત-દિવસ સઘન પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ ચાલુ રહેશે જેથી નાગરિકો ભયમુક્ત થઈને આનંદથી દિવાળી ઉજવી શકે.

LATEST ARTICLES