જામનગર મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા આજે મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ડે.મેયર રાકેશ ડેર, કમિશનર દિપેશ કેડીયા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆતમાં ગત મિનિટ્સને બહાલી આપવા બાબતે વિપક્ષના જેનબબેન ખફીએ પોતાની રજૂઆતના અધૂરા મુદ્દા લખાયા હોવાનું જણાવ્યું હતું, જે બાદ મિનિટ્સને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં પેન્શન મેળવતા પેન્શનરોનું મૃત્યુ થાય ત્યારે પેન્શનની બરાબર ઉચ્ચક રકમ ચૂકવવા અંગેના એજન્ડાને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.
આ બેઠક દરમિયાન વિપક્ષી સભ્ય જેનબબેન ખફીએ એક દરખાસ્ત રજૂ કરી હતી કે જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, જેથી આજે પાણી બાબતે ચર્ચા કરવી જોઈએ. આ દરખાસ્તને માત્ર વિપક્ષના સહારાબેન મકવાણાએ ટેકો આપ્યો હતો, પરંતુ પૂરતી સહી નહીં હોવાથી અધ્યક્ષ દ્વારા તે નામંજૂર કરવામાં આવી હતી. આ મુદ્દે શાસકપક્ષના મનીષ કટારીયાએ જણાવ્યું હતું કે આ રૂટીન જવાબદારીનો વિષય છે અને સરકારે પાણી બાબતે જરૂરી ખાતરી આપી છે, જેથી અલગ દરખાસ્તની જરૂર નથી. આ બાબતથી નારાજ થઈને વિપક્ષી સદસ્ય જેનબબેન ખફીએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું. બીજી તરફ, સહારાબેન મકવાણાએ અરજન્ટ એજન્ડાના અભ્યાસ માટે જરૂરી સમય આપવા સૂચન કર્યું હતું અને શહેરની સ્કૂલ નં. 2ના નવ નિર્માણ અંગેની દરખાસ્તને ટેકો આપીને અભિનંદન પાઠવ્યા હતા, જેને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.
સભાના અંતિમ અને સૌથી મહત્વના એજન્ડા તરીકે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોગ-2026ને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ બાયલોગ અંતર્ગત ખુલ્લા કચરાના પોઈન્ટને ધીમે ધીમે સદંતર નાબૂદ કરવા, ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા અને કચરાનું 4 વિભાગમાં વર્ગીકરણ કરીને યોગ્ય નિકાલ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ચર્ચામાં શાસક જૂથના સભ્ય સુભાષ જોષીએ આગામી દિવાળીના તહેવારોમાં કચરો વધવાની સંભાવના વ્યક્ત કરી રાત્રે વધારાના વાહનો દોડાવીને કચરો ઉપાડી લેવા અને જરૂરી સ્ટાફ ફાળવવા સૂચન કર્યું હતું. અંતમાં સહારાબેન મકવાણા અને મેયર મોનિકાબેન વ્યાસે તમામ નાગરિકોને દિવાળી તથા નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી સભાનું સમાપન કર્યું હતું.
