દેશના બિઝનેસ જગતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ બુધવારે સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ક્વાર્ટર 2 (Q2 FY27) ના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીના પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને મરાઈન બિઝનેસના મજબૂત દેખાવને કારણે કન્સોલિડેટેડ રેવેન્યુ વાર્ષિક ધોરણે 24 ટકા વધીને 11,340 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આ સાથે જ કંપનીનો EBITDA પણ 23 ટકા વધીને 6,807 કરોડ રૂપિયા થઈ ગયો છે, જે કંપનીની મજબૂત ફાઇનાન્સિયલ સ્થિતિ દર્શાવે છે.
કંપનીના આ શાનદાર પ્રદર્શન પાછળ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ક્ષેત્રોનું યોગદાન મોટું રહ્યું છે, જેમાં ડોમેસ્ટિક પોર્ટ્સની આવકમાં 13 ટકાનો વધારો થયો છે અને તેનો EBITDA માર્જિન 72.5 ટકા મજબૂત રહ્યો છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ પોર્ટ્સનો દેખાવ તો વધુ શાનદાર રહ્યો છે જ્યાં રેવેન્યુમાં વાર્ષિક ધોરણે 71 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને EBITDA માર્જિન રેકોર્ડ 47.7 ટકા સુધી પહોંચી ગયું છે. બીજી તરફ કંપનીના લોજિસ્ટિક્સ બિઝનેસમાં 21 ટકા અને મરાઈન સેગમેન્ટની આવકમાં ગ્લોબલ ફ્લીટ એન્હાન્સમેન્ટ અને સબસી સર્વિસીસમાં એન્ટ્રીના કારણે 57 ટકાનો મોટો વધારો નોંધાયો છે.
પ્રથમ ક્વાર્ટરના આ શાનદાર દેખાવથી ઉત્સાહિત થઈને કંપનીના સીઈઓ અશ્વિની ગુપ્તાએ નાણાકીય વર્ષ 2027 માટેનું ફૂલ-ઇયર ગાઇડન્સ અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ FY27 માટેનું રેવેન્યુ આઉટલુક 1,000 કરોડ રૂપિયા વધારીને 44,000 કરોડથી 46,000 કરોડ રૂપિયાની રેન્જમાં કરી દીધું છે, જ્યારે EBITDA ગાઇડન્સ પણ 1,000 કરોડ રૂપિયા વધારીને 26,000 કરોડથી 27,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યું છે. કંપનીના મજબૂત બેલેન્સશીટ અને 13,327 કરોડ રૂપિયાના ઓપરેટિંગ કેશ ફ્લોના જોરે એમ્બિશન 2031 લક્ષ્યોને હાંસલ કરવા માટે કેપિટલ એક્સપેન્ડિચર (કેપેક્સ) ગાઇડન્સ પણ 3,000 કરોડ રૂપિયા વધારીને 15,000 કરોડથી 17,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
