JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ટેલર સ્વિફ્ટના બ્લન્ક સ્પેસ સોંગવાળો આલીશાન કિલ્લો માત્ર 72 મિલિયન ડૉલરમાં વેચાયો

Oct 28, 2026 | 18:06 | By JAMNAGAR MIRROR
ટેલર સ્વિફ્ટના બ્લન્ક સ્પેસ સોંગવાળો આલીશાન કિલ્લો માત્ર 72 મિલિયન ડૉલરમાં વેચાયો
અમેરિકાના લોંગ આઈલેન્ડ પર આવેલો ઐતિહાસિક ઓહેકા કેસલ આર્થિક મુશ્કેલીઓના કારણે અડધાથી પણ ઓછી કિંમતમાં વેચાઈ ગયો છે. દેવામાં ફસાયેલા આ મેન્શનની માલિકી હવે બદલાઈ ગઈ છે અને નવા ઓનર્સ સામે તેના જતન સાથે મોટો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પડકાર તરીકે ઊભો છે.

અમેરિકાના ન્યૂ યોર્કના હન્ટિંગ્ટન ખાતે આવેલો અને ભવ્ય પાર્ટીઓ તેમજ સેલિબ્રિટી વેડિંગ માટે જાણીતો ઐતિહાસિક ઓહેકા કેસલ હવે નવા હાથમાં ગયો છે. એક સદી કરતા વધુનો શાનદાર ઇતિહાસ ધરાવતો આ આલીશાન મહેલ આર્થિક કટોકટીમાં ફસાઈ જતાં આખરે ઓક્શનમાં મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2025ના અપ્રૈસલ મુજબ આ પ્રોપર્ટીનું મૂલ્ય 137 મિલિયન ડૉલર આંકવામાં આવ્યું હતું, પરંતુ તે તેની અડધી કિંમત એટલે કે માત્ર 72 મિલિયન ડૉલરમાં વેચાઈ ગયો છે. આ સેલ સાથે ડેવલપર ગેરી મેલિયસના દાયકાઓ જૂના સ્વામિત્વનો અંત આવ્યો છે, જેમણે આ ઐતિહાસિક હેરિટેજને સાચવવા માટે વર્ષોની મહેનત કરી હતી.

આ પ્રોપર્ટીની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઇવેન્ટ ઓપરેશનના બેંક એકાઉન્ટમાં માત્ર 60 ડૉલરથી પણ ઓછી રકમ બચી હતી અને માથે 63.5 મિલિયન ડૉલરથી વધુનું દેવું થઈ ગયું હતું. આ ભારે દેવા અને ફાઇનાન્શિયલ પ્રેશરના કારણે કોર્ટની દેખરેખ હેઠળ આ પ્રોપર્ટીનું ઓક્શન કરવું પડ્યું હતું, જેમાં ગોલ્ડ કોસ્ટ પ્રોપર્ટી એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટના પાર્ટનર્સ રોનલ્ડ બ્રાઉનિંગ અને પૌલ અલ્ફ્લેને બાજી મારી લીધી હતી. જોકે, આ ડીલની સાથે નવા ઓનર્સ માટે બિઝનેસની નવી તકો પણ ખૂલી છે કારણ કે હન્ટિંગ્ટન ઓથોરિટીએ આ એસ્ટેટની આસપાસની જમીન પર 95 લક્ઝરી કોન્ડોમિનિયમ બનાવવાના પ્લાનને મંજૂરી આપી દીધી છે, જેમાંથી દરેક યુનિટની કિંમત 1.8 મિલિયન ડૉલરથી વધુ હોઈ શકે છે.

આ ભવ્ય કેસલનો ઇતિહાસ માત્ર આર્થિક બાબતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ગ્લોબલ પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટના પ્રખ્યાત મ્યુઝિક વિડિયો બ્લન્ક સ્પેસના શૂટિંગ સ્થળ તરીકે પણ દુનિયાભરમાં જાણીતો છે. ઓટો કાન નામના ઉદ્યોગપતિ દ્વારા 20મી સદીની શરૂઆતમાં બનેલા આ મહેલમાં કેવિન જોનાસના લગ્ન અને એન્થોની વીનર તથા હુમા અબેદીનની વેડિંગ સેરેમની પણ યોજાઈ ચૂકી છે, જેમાં અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટને હાજરી આપી હતી. નવા ઓનર્સ માટે રાહતના સમાચાર એ છે કે માલિકી બદલાયા પછી પણ માર્ચ 2028 સુધીના તમામ પ્રી-બુકિંગ વેડિંગ અને ઇવેન્ટ્સ માન્ય રાખવામાં આવશે. આ ઐતિહાસિક વારસાને સાચવવાની સાથે હવે બિઝનેસ ગ્રોથ કરવાનું મોટું લક્ષ્ય નવા માલિકો સામે છે.

LATEST ARTICLES