આગામી શિયાળામાં લંડનવાસીઓએ કડકડતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડી શકે છે, કારણ કે આકાશમાં આવેલા પોલર વોર્ટેક્સમાં થતી ઉથલપાથલ આર્કટિકની બરફીલી હવાને યુકે તરફ ધકેલી શકે છે. ઉત્તર ધ્રુવ પર જમીનથી લગભગ 16 થી 48 કિલોમીટર ઉપર સર્જાતી આ ઠંડા પવનોની વિશાળ સિસ્ટમ જ્યારે નબળી પડે છે અથવા વિખેરાઈ જાય છે, ત્યારે તે પૃથ્વીની સપાટી પરના હવામાનને સીધી અસર કરે છે. આ કુદરતી ફેરફારોને કારણે વર્ષ 2018ના કુખ્યાત 'બીસ્ટ ફ્રોમ ધ ઈસ્ટ' ની યાદો તાજી થઈ ગઈ છે, જ્યારે બ્રિટનમાં ભારે હિમવર્ષા અને થીજી દેતી ઠંડીએ જનજીવન અને ટ્રાફિક ઠપ કરી દીધો હતો.
વૈજ્ઞાનિક ભાષામાં જેને સડન સ્ટ્રેટોસ્ફેરિક વોર્મિંગ એટલે કે SSW કહેવામાં આવે છે, તેમાં તાપમાન થોડા જ દિવસોમાં 50 ડિગ્રી સુધી વધી શકે છે, જે પોલર વોર્ટેક્સને તોડી નાખે છે. આના પરિણામે જેત સ્ટ્રીમની દિશા બદલાય છે અને એટલાન્ટિકના હૂંફાળા પવનોને બદલે ઉત્તર કે પૂર્વ દિશામાંથી બરફીલા પવનો યુકે તરફ વળે છે. એટલું જ નહીં, મેટિયોરોલોજિસ્ટ્સ પેસિફિક મહાસાગરમાં સક્રિય થઈ રહેલા અલ નિનો ફેનોમેનન પર પણ નજર રાખી રહ્યા છે, જે ગરમ સમુદ્રની સપાટી દ્વારા વાતાવરણીય તરંગોને પ્રભાવિત કરીને આ સિસ્ટમમાં ભાગ ભજવી શકે છે. બ્રિટિશ સરકારની વિજ્ઞાન કચેરીના રિપોર્ટ મુજબ, 2026ના અંતમાં પશ્ચિમી પવનો અને ભારે વરસાદ રહી શકે છે, જ્યારે 2027ની શરૂઆતમાં પૂર્વ કે ઉત્તર તરફથી ઠંડા પવનો ફૂંકાવાનું જોખમ થોડું વધી શકે છે.
જો આ વાતાવરણીય સ્થિતિ લાંબો સમય ટકી રહે તો લંડનમાં રાત્રે ભારે હિમવર્ષા, ફ્રોસ્ટ અને કડકડતી ઠંડીનો લાંબો દૌર જોવા મળી શકે છે, જેની સીધી અસર રોડ ટ્રાફિક, ટ્રેન સર્વિસ અને ફ્લાઇટ્સ પર પડી શકે છે. જો કે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વાતાવરણમાં થતી દરેક ઉથલપાચળ સીધી હિમવર્ષામાં જ પરિણમે તેવું જરૂરી નથી અને આવી ઘટનાઓની ચોક્કસ આગાહી માત્ર એક અઠવાડિયા અગાઉ જ થઈ શકે છે. તેમ છતાં, શિયાળાની આ અનિશ્ચિતતાને જોતા લંડનમાં ઘરના હીટિંગના ખર્ચથી લઈને વૃદ્ધો અને નબળા વર્ગના નાગરિકો માટે આગામી દિવસોમાં સાવચેતી રાખવી જરૂરી બનશે.
