દિલ્હીથી સવારે 10 વાગ્યે રાજકોટ આવનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ નિર્ધારિત સમય મુજબ રાજકોટ હીરાસર અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી, પરંતુ સુરક્ષાના કારણોસર તેને ઉતરવાની મંજૂરી મળી નહોતી. સામાન્ય રીતે વિમાનના લેન્ડિંગ વખતે રનવે પર પક્ષીઓ નડતરરૂપ ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પક્ષીઓને ભગાડવા માટે ફટાકડા ફોડવામાં આવતા હોય છે. આ જ પ્રક્રિયા દરમિયાન ફટાકડાનો તણખો રનવેની આસપાસના સૂકા ઘાસ પર પડતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘાસમાં લાગેલી આ આગના કારણે આસપાસ ધૂમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના લીધે વિઝીબીલીટી એકદમ ઓછી થઈ ગઈ હતી અને પાયલોટ માટે વિમાનનું લેન્ડિંગ કરવું જોખમી બન્યું હતું.
આ અણધારી ઘટનાને કારણે એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે રનવે ક્લિયરન્સ અટકાવી દીધું હતું. વિમાનના પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલની સૂચના મુજબ રાજકોટ એરપોર્ટના આકાશમાં જ આશરે 4 રાઉન્ડ ચક્કર લગાવ્યા હતા અને પરિસ્થિતિ થાળે પડે તેની રાહ જોઈ હતી. બીજી તરફ, એરપોર્ટ પર રહેલી ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આમ છતાં, વિમાનને લાંબો સમય હવામાં પ્રતીક્ષા કરવી પડી હતી અને વિઝીબીલીટી ન મળવાને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ફ્લાઈટને રાજકોટમાં ઉતારવાનું ટાળવામાં આવ્યું હતું. અંતે આ ફ્લાઈટને તાત્કાલિક અસરથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વડોદરા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી અને તે હેમખેમ વડોદરા ઉતરી હતી.
આ બનાવના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જોકે ફ્લાઈટ સુરક્ષિત ઉતરી જતાં સૌએ રાહતના શ્વાસ લીધા હતા. આ ગંભીર ઘટના બાદ એરપોર્ટ પ્રશાસનની સુરક્ષા અને પક્ષી ભગાડવાની પદ્ધતિઓ સામે મોટા સવાલો ઉભા થયા છે કે આવા સંવેદનશીલ વિસ્તારમાં પૂરતી સાવચેતી કેમ રાખવામાં ન આવી. મુસાફરોની સુરક્ષાને સર્વોપરી ગણીને ભવિષ્યમાં આવી બેદરકારીભરેલી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સબંધિત તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી રહી છે.
