બુધવારે સ્પેનના મધ્ય ભાગમાં આવેલા ટોલેડો પ્રોવિન્સમાં એક ખૂબ જ ગંભીર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં બે હાઈ-સ્પીડ ટ્રેનો સામસામે અથડાઈ જતાં મોટો આફત આવી પડી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 46 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. આ દુર્ઘટનાને પગલે મેડ્રિડને સિઉદાદ રિયલ અને અંડાલુસિયા સાથે જોડતી તમામ મહત્વની રેલ સેવાઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જેથી બચાવ કામગીરીમાં કોઈ અડચણ ન આવે.
ઘટનાની ગંભીરતાને જોતા પ્રાઇમ મિનિસ્ટર પેડ્રો સાંચેઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેડ્રિડની દક્ષિણે બનેલી આ ઘટનાથી તેઓ ખૂબ જ શોક્ડ છે અને પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી સર્વિસ અને તમામ પ્રશાસનિક વિભાગો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રભાવિત લોકોને મદદ પહોંચાડવા તથા તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે, જ્યારે પ્રારંભિક અહેવાલોમાં આ દુર્ઘટના પાછળ હ્યુમન એરર જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.
નોંધનીય છે કે આ વર્ષે સ્પેનના હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક પર આ પ્રકારનો બીજો મોટો અકસ્માત છે, અગાઉ જાન્યુઆરી મહિનામાં દક્ષિણ સ્પેનમાં એક ટ્રેન પાટા પરથી ઉતરીને સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાતા 45 લોકોનાં મોત થયા હતા, જે 2013માં 80 લોકોના ભોગ લેનાર ગોઝારા અકસ્માત પછી દેશનો સૌથી મોટો રેલવે હોરર સાબિત થયો હતો. હાલમાં તંત્ર દ્વારા ઘાયલોની સારવાર અને સમગ્ર દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
