સ્પેનમાં મડ્રિડને દક્ષિણ અંદાલુસિયા રીજન સાથે જોડતી હાઇ-સ્પીડ રેલવે લાઇન પર ઉર્દા નજીક સવારે 9 વાગ્યાની આસપાસ એક ભીષણ ટ્રેન દુર્ઘટના ઘટી હતી. રેન્ફ એવી ટ્રેન અને આયરિયો ટ્રેન વચ્ચે થયેલી આ સામસામેની ટક્કર એટલી જોરદાર હતી કે તેના કારણે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે તાત્કાલિક મોટો ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવો પડ્યો હતો. આ વર્ષે સ્પેનમાં હાઇ-સ્પીડ ટ્રેન સાથે બનેલી આ બીજી સૌથી ગંભીર દુર્ઘટના છે, જેના દ્રશ્યો અત્યંત હચમચાવી નાખનારા છે.
આ અકસ્માત લોસ યેબેનેસ અને ઉર્દા શહેર વચ્ચે સર્જાયો હતો, જ્યાં આયરિયો ટ્રેનમાં 147 અને એવી ટ્રેનમાં 397 પેસેન્જર્સ સવાર હતા. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત સમયે બેમાંથી એક ટ્રેન સ્ટેશનરી એટલે કે ઊભેલી સ્થિતિમાં હતી અને ટક્કર એટલી ભયાનક હતી કે તેના કેટલાક ડબ્બાઓ પાટા પરથી ઉતરીને નીચે ખાડીમાં ખાબક્યા હતા. પ્રત્યક્ષદર્શી પેસેન્જર્સના જણાવ્યા અનુસાર, ટક્કર સમયે કોઈ મોટા ધડાકા જેવો અવાજ આવ્યો હતો અને આસપાસના દ્રશ્યો ખૂબ જ ખૌફનાક હતા, જેમાં ઓછામાં ઓછા બે ડબ્બા પલટી ગયેલી હાલતમાં નજરે પડ્યા હતા.
આ અગાઉ જાન્યુઆરીમાં પણ અંદાલુસિયાના અદામુઝ નજીક આવી જ એક ગંભીર રેલ દુર્ઘટના ઘટી હતી જેમાં 46 લોકોનાં મોત થયાં હતાં અને 150થી વધુ ઘાયલ થયા હતા. તે અકસ્માતમાં તપાસ દરમિયાન રેલવે ટ્રેકના વેલ્ડિંગ જોઈન્ટમાં તિરાડ અને ખામી મળી આવી હતી, જેણે સ્પેનના મજબૂત ગણાતા હાઇ-સ્પીડ રેલવે નેટવર્કની સુરક્ષા સામે મોટા સવાલો ખડા કર્યા હતા. હાલની આ તાજી દુર્ઘટના બાદ દેશની રેલવે સિસ્ટમની સુરક્ષા પર ફરીથી ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયો છે અને સત્તાવાળાઓ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.
