JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ગુજરાતની મોટી જીત: મધ્યપ્રદેશ નર્મદા પુનર્વસનના 7,669 કરોડ જતા કરશે

Oct 28, 2026 | 18:00 | By JAMNAGAR MIRROR
સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટને લઈને દાયકાઓથી ચાલી આવતા નાણાકીય વિવાદનો હવે અંત આવ્યો છે. નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં થયેલી ઐતિહાસિક સમજૂતી હેઠળ મધ્યપ્રદેશે ગુજરાત સામેનો મોટો દાવો પાછો ખેંચી લીધો છે, જેનાથી ચારેય રાજ્યો વચ્ચેના હિસાબો ક્લિયર થઈ ગયા છે.

સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટને લઈને ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યો વચ્ચે ચાલી રહેલા દાયકાઓ જૂના નાણાકીય વિવાદના ઉકેલ તરફ અત્યંત મહત્વપૂર્ણ પ્રગતિ સાધવામાં આવી છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી જાહેર કરી છે. નવી દિલ્હી ખાતે મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની રિવ્યુ કમિટી એટલે કે RCNCA ની 15મી બેઠકમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા આ લાંબા સમયથી અટવાયેલા નાણાકીય વિવાદને અંતિમ તબક્કામાં પહોંચાડવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત સહિત ચાર રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે પ્રોજેક્ટના નિર્માણ ખર્ચની વહેંચણી, વ્યાજ, ડૂબાણમાં ગયેલી જમીનનું વળતર અને પુનર્વસન ખર્ચ જેવા મુદ્દાઓ પર દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો હતો. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, 31 જુલાઈ 2025 સુધીની સ્થિતિએ મધ્યપ્રદેશ પાસેથી 5,516.50 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી 1,883.84 કરોડ અને રાજસ્થાન પાસેથી 574.52 કરોડ મળીને કુલ 7,974.86 કરોડ લેણાં બાકી હતા. આ પ્રશ્નનો અંત લાવવા માટે ગત 7 જુલાઈ 2026ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મધ્યસ્થી હેઠળ વન-ટાઇમ સેટલમેન્ટ સધાયું હતું. આ સમજૂતી અનુસાર મધ્યપ્રદેશનો પુનર્વસન ખર્ચનો હિસ્સો 31.98% થી ઘટાડીને 16.17% કરવામાં આવ્યો છે, મહારાષ્ટ્રનો હિસ્સો 7.76% અને મુખ્ય લાભાર્થી રાજ્ય ગુજરાતનો હિસ્સો 50.57% થી વધારીને 75% કરવામાં આવ્યો છે. આ સાથે મધ્યપ્રદેશે ગુજરાત સામેનો પોતાનો 7,669 કરોડનો દાવો પણ પાછો ખેંચી લીધો છે.

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગત 7 જુલાઈ 2026ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકના આધારે આ અંતિમ નિર્ણય લેવાયો છે. આ પગલાંને માત્ર નાણાકીય લેણાંના ઉકેલ પૂરતું મર્યાદિત ન રાખતા તેમણે તેને રાજ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સહિયારા વિકાસના એક નવા યુગની શરૂઆત ગણાવી છે. સહકારી સંઘવાદની ભાવનાથી વાતચીત અને પરસ્પર સમજૂતી દ્વારા જટિલ પ્રશ્નો પણ ઉકેલી શકાય છે તે આ ઘટનાએ સાબિત કરી દીધું છે. આ ઐતિહાસિક સમજૂતીને વિકસિત ભારત 2047 ના લક્ષ્યને હાંસલ કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

LATEST ARTICLES