છોટાઉદેપુર જિલ્લામાં બનેલી એક હચમચાવતી ઘટનામાં પોલીસે ગણતરીની જ દિવસોમાં આરોપીને દબોચી લીધો છે. ગત 19/10/26ના રોજ કવાંટ તાલુકાના એક ગામમાંથી 5 વર્ષની માસૂમ બાળકીનું બદઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, પોલીસની સમયસૂચકતા અને સતર્કતાને કારણે 20/10/26ના રોજ જ બાળકી બોડેલી રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત મળી આવી હતી, જેને પોલીસે તરત જ તેના પરિવારને સોંપી દીધી હતી પરંતુ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
આ ચકચારી કેસને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી ઝીણવટભરી તપાસ ચલાવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદમાં છુપાયેલો છે. બાતમીના આધારે રંગપુર પોલીસની ટીમ તુરંત અમદાવાદ દોડી ગઈ હતી અને ત્યાં પોતાની ઓળખ છુપાવીને મજૂરી કામ કરી રહેલા નાશિક નાસરિયાભાઈ રાઠવા નામના નરાધમને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પોલીસની અત્યાર સુધીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે પકડાયેલા આરોપીએ માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં જ 2 ગંભીર ગુના આચર્યા હતા. બાળકીના અપહરણની ઘટનાના બરાબર એક અઠવાડિયા અગાઉ એટલે કે 14/10/26ના રોજ બોડેલી ખાતે તેના જ સંબંધીની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચર્યાની પણ અલગ ફરિયાદ આ જ આરોપી સામે નોંધાયેલી છે. હાલ પોલીસે આરોપી નાશિક રાઠવા વિરુદ્ધ પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની સઘન કાર્યવાહી શરૂ કરી દીધી છે.
