હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 3 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 29 અને 30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. તાપમાનની વાત કરીએ તો, આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસે જણાવ્યું કે, પવન ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશામાં ફૂંકાશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવન ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાં 15થી 20 નોટની ઝડપે ગતિ કરશે. આ ઉપરાંત, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં એક સાઇક્લોનિક સ્ટોર્મ સક્રિય છે, જે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને ભેજવાળા પવનોના કારણે દક્ષિણ ગુજરાત તરફ ક્ધવર્જન્સ સર્જાતા આ હળવા વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે 29 ઓક્ટોબરે નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નાગર હવેલીમાં, જ્યારે 30 ઓક્ટોબરે આ વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા છે.
આગામી દિવસોની સ્થિતિ જોઈએ તો, 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન ફરી એકવાર સંપૂર્ણપણે સૂકું થઈ જશે. હાલ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં સક્રિય અર્નબ વાવાઝોડાની આ અસરોને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને નાગરિકોને હવામાન પલટા સામે સાચે રહેવા સૂચના આપવામાં આવી છે, જોકે આ વરસાદ માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં જ હળવા સ્વરૂપનો રહેવાની ધારણા છે જેથી મોટા નુકસાનની કોઈ સંભાવના નથી.
