લાહોર હાઈકોર્ટના સિનિયર જજ જસ્ટિસ મોહસિન અખ્તર કયાનીએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપીને પાકિસ્તાનના રાજકારણમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું કે દેશમાં તાજેતરમાં લાવવામાં આવેલા 26મા અને 27મા કન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એટલે કે બંધારણીય સુધારાને કારણે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સંસ્થાકીય અખંડિતતા ગંભીર રીતે જોખમાઈ છે. જસ્ટિસ કયાનીએ પોતાનું રાજીનામું સીધું દેશના પ્રેસિડેન્ટ આસિફ અલી ઝરદારીને મોકલી આપ્યું છે. આ વિવાદાસ્પદ સુધારા પછી હાયર જ્યુડિશિયરીમાંથી રાજીનામું આપનાર તેઓ ચોથા જજ બની ગયા છે, જેનાથી ન્યાયતંત્ર અને સરકાર વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે.
રાજીનામાના પત્રમાં જસ્ટિસ કયાનીએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે એક્ઝિક્યુટિવ એટલે કે સરકારી વહીવટી તંત્રનું ન્યાયિક સંસ્થાઓ પર નિયંત્રણ સતત વધી રહ્યું છે, જેમાં જજોની નિમણૂક અને ટ્રાન્સફર જેવી બાબતો પણ સામેલ છે. અગાઉ ગત વર્ષે સુપ્રીમ કોર્ટના સિનિયર જજ જસ્ટિસ સૈયદ મન્સૂર અલી શાહ, જસ્ટિસ અથર મિનાલ્લાહ અને લાહોર હાઈકોર્ટના જસ્ટિસ શમ્સ મહમૂદ મિર્ઝાએ પણ આવા જ કારણોસર રાજીનામાં આપ્યા હતા. પૂર્વ PM ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફનો આક્ષેપ છે કે શાહબાઝ શરીફ સરકાર અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની મિલીભગતથી ન્યાયતંત્રને નબળું પાડવામાં આવી રહ્યું છે અને તમામ સત્તાઓ સરકાર તથા મિલિટરી લીડરશિપના હાથમાં કેન્દ્રિત કરવામાં આવી રહી છે.
આ અગાઉ એપ્રિલ મહિનામાં મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ દ્વારા જસ્ટિસ કયાની તેમજ અન્ય 2 જજો જસ્ટિસ બાબરી સત્તાર અને જસ્ટિસ સામાન રફાત ઇમ્તિયાઝની ઇસ્લામાબાદ હાઈકોર્ટમાંથી બદલી કરવામાં આવી હતી, કારણ કે તેઓ એસ્ટેબ્લિશમેન્ટની ગુડ બુકમાં નહોતા. વર્ષ 2024માં અમલી બનેલા 26મા બંધારણીય સુધારા અને 2025માં પ્રેસિડેન્ટ દ્વારા મંજૂર કરાયેલા 27મા બંધારણીય સુધારાને કારણે હાયર કોર્ટ્સમાં જજોની નિમણૂક અને કાર્યકાળ પર સરકારી તથા સંસદીય નિયંત્રણ ઘણું વધી ગયું છે. જસ્ટિસ કયાનીએ જણાવ્યું કે તેમનો અંતરાત્મા તેમને આવા માહોલમાં જજ તરીકે ચાલુ રહેવાની પરવાનગી આપતો નથી, કારણ કે સામાન્ય નાગરિકો જે ન્યાય મેળવવા માટે બેઠા છે તેમની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે.
