JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

આકાશમાં મુસાફરી મોંઘી બનશે, એરલાઇન્સ કંપનીઓએ ફ્યુઅલ હેજિંગથી હાથ ખેંચ્યા

Oct 28, 2026 | 16:46 | By JAMNAGAR MIRROR
આકાશમાં મુસાફરી મોંઘી બનશે, એરલાઇન્સ કંપનીઓએ ફ્યુઅલ હેજિંગથી હાથ ખેંચ્યા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન યુદ્ધના કારણે જેટ ફ્યુઅલના ભાવ ભડકે બળ્યા છે, જેનાથી એરલાઇન્સ કંપનીઓએ ભવિષ્યના ફ્યુઅલ કોસ્ટને લોક કરવાનું ટાળ્યું છે. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ફ્લાઇટના ટિકિટના ભાવમાં 15% થી 20% સુધીનો મોટો ઉછાળો આવી શકે છે.

લંડન અને હોંગકોંગ સહિતના વૈશ્વિક બજારોમાં જેટ ફ્યુઅલના ભાવ યુદ્ધ પહેલાના સ્તર કરતા લગભગ બમણા થઈ ગયા છે, જેને કારણે એરલાઇન્સ કંપનીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. સામાન્ય રીતે એરલાઇન્સ કંપનીઓ ફ્યુઅલ હેજિંગ દ્વારા ભવિષ્યના ફ્યુઅલના ભાવ અગાઉથી જ લોક કરી દેતી હોય છે, જેથી ભાવ વધારા સામે રક્ષણ મળી રહે. પરંતુ વર્તમાન ઊંચા ભાવે હેજિંગ કરવાથી જો ભવિષ્યમાં ભૌગોલિક તણાવ ઘટે અને ઓઈલના ભાવ નીચે આવે, તો કંપનીઓ મોંઘા ભાવે ફ્યુઅલ ખરીદવા માટે બંધાઈ જાય તેમ છે. આ રિસ્કને કારણે એરલાઇન્સ કંપનીઓએ હવે નવી હેજિંગ પોલિસી અપાવવાનું ટાળી દીધું છે અને મુસાફરો પર બોજ નાખવાના સંકેત આપ્યા છે.

વર્તમાન પરિસ્થિતિ મુજબ આગામી 2027 સુધીમાં મોટાભાગની એરલાઇન્સ કંપનીઓના જૂના હેજિંગ કોન્ટ્રાક્ટ્સ પૂરા થઈ જશે, જેના કારણે તેઓ સીધા જ મોંઘા ફ્યુઅલના બજારના પ્રભાવ નીચે આવી જશે. રિયાનએરના સીઈઓ માઈકલ ઓ'લિયરીના જણાવ્યા અનુસાર, યુરોપિયન એરલાઇન્સ પાસે સમર 2027 સુધી કોઈ મજબૂત હેજિંગ બેકઅપ નથી, જેના કારણે ટિકિટના ભાડામાં 15% થી 20% સુધીનો વધારો જોવા મળી શકે છે. ફિનલેન્ડની ફિનએર કંપનીએ પણ આ વર્ષે નવા હેજિંગ ઉમેરવાનું બંધ કરી દીધું છે અને 2027 માટે તેમનું એવરેજ હેજિંગ રેશિયો માત્ર 34% જ છે. એરએશિયાના સીઈઓ ટોની ફર્નાન્ડિઝે સ્પષ્ટ કર્યું છે કે તેમની કંપની હવે ઓઈલના ભાવ ઘટવાની કોઈ આશા ન રાખીને કાં તો ખર્ચ ઘટાડવા પર અથવા ભાડા વધારવા પર ધ્યાન આપી રહી છે.

સામાન્ય રીતે જેટ ફ્યુઅલનો ખર્ચ એરલાઇન્સના કુલ ખર્ચના 30% થી 40% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. યુએસની મોટાભાગની એરલાઇન્સ જેવી કે અમેરિકન, યુનાઈટેડ, ડેલ્ટા, જેટબ્લુ અને સાઉથવેસ્ટ જેવી કંપનીઓ પહેલેથી જ ફ્યુઅલ હેજિંગથી દૂર રહી છે કારણ કે અમેરિકન મુસાફરો ઊંચા ભાડા ચૂકવવા માટે વધુ તૈયાર હોય છે. જો કે, યુરોપિયન યુનિયનમાં સપ્ટેમ્બર મહિનામાં એર ફેરમાં 5.8% નો વધારો નોંધાયો હતો, જ્યારે યુએસમાં આ વધારો 20% કરતા વધુ હતો. બીજી તરફ, નોર્વેજીયન એર શટલ જેવી બજેટ કેરિયર કંપનીઓને ગ્રાહકોની નારાજગીને કારણે કેટલાક ભાડા પાછા ખેંચવાની ફરજ પડી છે, જે દર્શાવે છે કે એરલાઇન્સ માટે વધેલા ભાડા વસૂલવા પણ આસાન નથી રહેવાનું.

LATEST ARTICLES