ઈઝરાયલમાં હાલમાં જ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પ્રાથમિક પરિણામો અત્યંત રોમાંચક અને અનિશ્ચિત રાજકીય ચિત્ર રજૂ કરી રહ્યા છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા થયેલા હુમલા અને યુદ્ધની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી આ ચૂંટણીમાં જનતાએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો અને 1999 પછીનું સૌથી વધુ એટલે કે 77.7% જેટલું રેકોર્ડ મતદાન નોંધાયું હતું, જે 2022ની ચૂંટણી કરતા લગભગ 7% વધારે છે. વિપક્ષે સુરક્ષા ક્ષેત્રની નિષ્ફળતા માટે નેતાન્યાહૂ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, તો સામે પક્ષે નેતન્યાહૂના સમર્થકોએ યુદ્ધ દરમિયાન લેવાયેલા કડક નિર્ણયોનો બચાવ કર્યો હતો. આ ઉપરાંત અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદી પુરુષોને સૈન્ય સેવામાંથી મળતી મુક્તિનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો.
પ્રાપ્ત થતા શરુઆતી એક્ઝિટ પોલ અને 41.9% મતોની ગણતરી મુજબ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું લિકુડ ગઠબંધન અને ભૂતપૂર્વ મિલિટરી ચીફ ગાદી આઇઝનકોટના નેતૃત્વ હેઠળના વિપક્ષ વચ્ચે જોરદાર ટક્કર છે. કુલ 120 સભ્યોની સંસદ એટલે કે નેસેટમાં સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો 61 સીટનો છે, જે હાલમાં કોઈ પણ જૂથને મળતો દેખાતો નથી. નેતાન્યાહૂના ગઠબંધનને 57 સીટ અને વિપક્ષી ગઠબંધનને 47 સીટ મળતી દેખાય છે, જ્યારે મુખ્યત્વે અરબ પક્ષો પાસે 16 સીટ છે. મતગણતરી હજુ ચાલુ હોવાથી આ આંકડા બદલાઈ શકે છે પરંતુ અરબ પક્ષોની 16 સીટો તેમને સીધી કિંગમેકરની ભૂમિકામાં મૂકે છે. જોકે નેતાન્યાહૂ અને આઇઝનકોટ બંનેએ અરબ પક્ષોના સમર્થનથી સરકાર બનાવવા સામે સાવચેતી દાખવી છે, જેના કારણે રાજકીય સમીકરણો વધુ ગૂંચવાયા છે.
ચૂંટણીના આખરી પરિણામો આવ્યા બાદ ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરીને જે નેતા પાસે બહુમતી સાબિત કરવાની સૌથી વધુ તક હશે તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. પસંદ કરાયેલા નેતાને સરકાર રચવા માટે 28 દિવસનો સમય મળશે, જેમાં જરૂર પડ્યે 14 દિવસનો વધારો પણ થઈ શકે છે. જો પક્ષો વચ્ચે સમજૂતી નહીં સધાય અને કોઈ પણ જૂથ સરકાર નહીં બનાવી શકે, તો સંસદ ભંગ કરીને આગામી 90 દિવસની અંદર દેશમાં ફરીથી ચૂંટણી યોજવામાં આવશે અને ત્યાં સુધી નેતન્યાહૂની વર્તમાન સરકાર જ કેરટેકર તરીકે કામકાજ સંભાળતી રહેશે.
