ન્યૂયોર્કના ચાપાક્વા વિસ્તારમાં તાજેતરમાં મળેલી ડેમોક્રેટ્સની રેલી અને શરૂ થયેલા અર્લી વોટિંગના માહોલે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ માહોલ રિપબ્લિકન સાંસદ માઈક લોલર જેવા નેતાઓ માટે મોટો પડકાર બની ગયો છે, કારણ કે આ એવો સમૃદ્ધ અને ભણેલો-ગણેલો વિસ્તાર છે જ્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે મતદારોમાં ખાસ લોકપ્રિયતા નથી. ટ્રમ્પના શાસનકાળમાં રિપબ્લિકન પાર્ટીએ વ્હાઈટ અને કોલેજ ગ્રેજ્યુએટ મતદારો વચ્ચે ઘણો સપોર્ટ ગુમાવ્યો છે. હાલમાં આશરે 212 માંથી માત્ર 50 હાઉસ ડિસ્ટ્રિક્ટ્સ એવા છે જ્યાં રિપબ્લિકન પાર્ટી પાસે પકડ છે, જ્યારે 2015 માં આ સંખ્યા 70 હતી. હાલની સ્થિતિમાં રિપબ્લિકન્સ સામે બેહદ મુશ્કેલીઓ છે, કારણ કે એક તરફ બ્લુ-કૉલર સીટો પરથી પકડ ઘટી રહી છે અને બીજી તરફ એજ્યુકેટેડ ઉપનગરોમાં ટ્રમ્પની અલોકપ્રિયતા પાર્ટીને નુકસાન પહોંચાડી રહી છે.
આ લડાઈનું કેન્દ્રબિંદુ બનેલા માઈક લોલરના વિસ્તારમાં મીડિયન ઈન્કમ 123,000 ડોલરથી વધુ છે અને 56 ટકાથી વધુ વ્હાઈટ રેસિડેન્ટ્સ ગ્રેજ્યુએટ છે. લોલર 2022 માં પહેલીવાર જીત્યા હતા અને 2024 માં ફરી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. ડેમોક્રેટિક ઉમેદવાર કેટ કોન્લી, જેઓ આર્મી વેટરન અને બાઈડેન સરકારના પૂર્વ અધિકારી રહી ચૂક્યા છે, તેમણે આ રેસને ટેરિફ, હેલ્થકેર અને ઈરાન વોર જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર કેન્દ્રિત કરી દીધી છે. એક તરફ લોલર ટ્રમ્પની ટેરિફ નીતિઓ, ટેક્સ બિલ અને ઈરાન વોરને યોગ્ય ઠેરવીને વર્કિંગ ક્લાસના હક્ષમાં હોવાનું કહે છે, તો બીજી તરફ કોન્લી માઈક લોલર પર ટ્રમ્પની નીતિઓને સમર્થન આપવાના આક્ષેપો લગાવી રહ્યા છે. તાજેતરની ડિબેટમાં બંને નેતાઓ વચ્ચે આક્રમક ચર્ચાઓ થઈ હતી જેમાં સ્થાનિક અને વિદેશી નીતિઓ પર ભારે ખટરાગ જોવા મળ્યો હતો.
આ ચૂંટણી માત્ર એક સીટની નથી પરંતુ એવા તમામ એજ્યુકેટેડ અને સમૃદ્ધ વિસ્તારોનું ભવિષ્ય નક્કી કરશે જ્યાં રિપબ્લિકન નેતાઓ મુશ્કેલીમાં છે. લોલર જેવા કુશળ રાજકારણીઓ ગમે તેટલા દાવા કરે કે તેઓ સૌની સાથે કામ કરી શકે છે, પરંતુ જમીની હકીકત એ છે કે આ વિસ્તારના એડવર્ટાઈઝિંગ પ્રોફેશનલ્સ, ઈવેન્ટ પ્લૅનર્સ અને ફિઝિશિયન્સ જેવા મતદારો હવે ટ્રમ્પ સામે મજબૂત અંકુશ ઈચ્છે છે. મતદારો સાફ માને છે કે નેતાઓ ગમે તેટલા સ્વતંત્ર હોવાના દાવા કરે પરંતુ સંસદમાં તેમનું વોટિંગ જ તેમનો અસલી ચહેરો બતાવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જેમ ભૂતકાળમાં વર્કિંગ ક્લાસ સીટો પરથી ડેમોક્રેટ્સ સાફ થઈ ગયા હતા, તેવી જ રાજકીય લહેર હવે આ એજ્યુકેટેડ એન્ક્લેવ્સમાં રિપબ્લિકન નેતાઓ સામે આવી શકે છે.
