JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

કિંમતી ક્રૂઝ જહાજ અચાનક બંધ થતા કમ્બોડિયામાં 200 મુસાફરો ફસાયા

Oct 28, 2026 | 17:50 | By JAMNAGAR MIRROR
કિંમતી ક્રૂઝ જહાજ અચાનક બંધ થતા કમ્બોડિયામાં 200 મુસાફરો ફસાયા
પ્રતિ વ્યક્તિ 120,000 ડૉલર સુધીનો ખર્ચ વસૂલનાર વિલા વિ ઓડિસી ક્રૂઝ અચાનક બંધ થઈ જતા લગભગ 200 મુસાફરો કમ્બોડિયામાં ફસાયા છે. ફ્યુઅલના વધતા ભાવ અને આર્થિક મુશ્કેલીઓને કારણે ઓપરેટરે માત્ર 7 કલાકમાં જ જહાજ ખાલી કરવાનો આદેશ આપતા રિટાયર્ડ લોકો અને રિમોટ વર્કર્સ મુશ્કેલીમાં મુકાયા છે.

વિલા વિ ઓડિસી નામનું આ રેસિડેન્શિયલ ક્રૂઝ જહાજ છેલ્લા 2 વર્ષથી દુનિયાભરના પ્રવાસે નીકળ્યું હતું, પરંતુ ફ્યુઅલના અસહ્ય વધેલા ખર્ચને કારણે યુએસ સ્થિત ઓપરેટરે અચાનક પોતાની સર્વિસ બંધ કરી દીધી છે. નોર્થ આયર્લેન્ડના બેલફાસ્ટથી શરૂ થયેલી આ સફર અચાનક રોકાઈ જતાં 23 ઓક્ટોબરના રોજ કમ્બોડિયાના સિહાનુંકવિલે પોર્ટ પર રોકાયેલા મુસાફરોને માત્ર 7 કલાકમાં જ જહાજ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પ્રીહ સિહાનુંક પ્રાંતના ડેપ્યુટી ગવર્નર લોંગ ડિમાન્ચેના જણાવ્યા અનુસાર, થાઇલેન્ડથી આવેલા આ જહાજમાં 203 ગેસ્ટ અને 156 ક્રૂ મેમ્બર્સ હાજર હતા અને તેમણે વિયેતનામ જવાનું હતું, પરંતુ આ અચાનક બનેલી ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.

આ આર્થિક સંકટ પાછળ મુખ્ય કારણ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો કોન્ફ્લિક્ટ અને ફ્યુઅલના ભાવોમાં થયેલો અસાધારણ વધારો છે. એશિયાના કેટલાક વિસ્તારોમાં કેબિન દીઠ ફ્યુઅલનો ખર્ચ 1,800 ડૉલરથી વધીને સીધો 6,000 થી 8,000 ડૉલર સુધી પહોંચી ગયો હતો. કંપની દ્વારા જહાજની સ્પીડ ઘટાડવા અને પોર્ટ પર વધુ સમય રોકાવા જેવા પગલાં લેવા છતાં ફ્યુઅલના વધતા ભાવને કારણે મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. આ જહાજના પાંચ વર્ષના રેસિડેન્સી પેકેજની કિંમત 59,999 ડૉલરથી શરૂ થતી હતી, જ્યારે પરમેનન્ટ કેબિન ઓનરશિપનો ખર્ચ લગભગ 119,999 ડૉલર હતો અને માસિક ફી પણ 3,299 થી 9,500 ડૉલર સુધીની હતી.

અચાનક ઉતરી જવાની નોબત આવવાથી હજારો માઈલ દૂર ઘરથી દૂર રહેતા રિટાયર્ડ લોકો અને રિમોટ વર્કર્સ અજાણ્યા દેશમાં ઘરવિહોણા બનીને મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક મુસાફરોએ તાત્કાલિક ફ્લાઇટ્સ બુક કરી લીધી તો કેટલાક સિટીમાં જ રોકાઈ ગયા છે. હાલ ઓપરેટર કંપની દ્વારા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે તેમજ આગામી 60 દિવસમાં બિઝનેસનું પુનર્ગઠન કરવા અને ટેમ્પરરી એકોમોડેશન ગોઠવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.

LATEST ARTICLES