દિલ્હીની એક મેજિસ્ટ્રેટ કોર્ટે બુધવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે જોડાયેલા એક વિવાદિત કેસની સુનાવણી આગામી 6 નવેમ્બર સુધી મુલતવી રાખી છે. આ મામલો સોનિયા ગાંધીએ સત્તાવાર રીતે ભારતીય નાગરિકતા મેળવી તેના 3 વર્ષ અગાઉ એટલે કે ૧૯૮૩ પહેલા જ મતદાર યાદીમાં તેમનું નામ સામેલ કરવાને લઈને એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજી સાથે જોડાયેલો છે. આ સમગ્ર વિવાદ લાંબા સમયથી કાનૂની દાવપેચમાં ફસાયેલો છે અને હવે કોર્ટ આ મામલે નવેસરથી વિચારણા કરી રહી છે.
આ કેસની વિગતો મુજબ, ગત 11 સપ્ટેમ્બરના રોજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વૈભવ ચૌરસિયાએ એડવોકેટ વિકાસ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવેલી આ ફરિયાદને કાયદાકીય રીતે ટકી ન શકે તેવી અને પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવીને ફગાવી દીધી હતી. આ આદેશ સામે એડવોકેટ વિકાસ ત્રિપાઠી દ્વારા સેશન્સ કોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા ગત 21 સપ્ટેમ્બરના રોજ સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટના જૂના આદેશને રદ કર્યો હતો અને આ કેસને ફરીથી નવી સુનાવણી માટે મેજિસ્ટ્રેટ કોર્ટમાં પર મોકલી આપ્યો હતો.
બુધવારે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિનોદ જોશી સમક્ષ આ મામલે સુનાવણી હાથ ધરવાની હતી, પરંતુ તેને મુલતવી રાખીને આગામી તારીખ 6 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ કેસમાં હવે આગામી તારીખે કોર્ટ શું નવો આદેશ આપે છે અને કાનૂની લડાઈ કઈ દિશામાં આગળ વધે છે તેના પર બધાની નજર રહેશે. આ મામલો રાજકીય રીતે પણ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે કારણ કે તે દેશના એક દિગ્ગજ નેતાની નાગરિકતા અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો છે.
