જામનગર મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા તાજેતરમાં મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ડે.મેયર રાકેશ ડેર, કમિશનર દિપેશ કેડીયા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં ગત મિનિટ્સને બહાલી આપવાની સાથે પેન્શન મેળવતા પેન્શનરોનું અવસાન થાય ત્યારે પેન્શનની બરાબર ઉચ્ચક રકમ ચૂકવવા અંગેના એજન્ડાને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરની શાળા નં. 2 ના નવ નિર્માણ અંગેની દરખાસ્ત પણ સર્વાનુમતે મંજૂર કરાઈ હતી જેને વિપક્ષના સદસ્ય દ્વારા ટેકો પણ આપવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન વિપક્ષના સભ્ય જેનબબેન ખફીએ જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો હોવાથી પાણી બાબતે તાત્કાલિક ચર્ચા કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્તમાં પૂરતી સહી ન હોવાના કારણે અધ્યક્ષ દ્વારા તેને ના મંજૂર કરવામાં આવી હતી. આ બાબતે મનીષ કટારીયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પાણી બાબતે જરૂરી ખાતરી આપવામાં આવી ચૂકી છે જેથી અલગ દરખાસ્તની જરૂર નથી. આ મુદ્દે મતભેદ થતાં વિપક્ષી સદસ્ય જેનબબેન ખફીએ સભામાંથી વોકઆઉટ કર્યો હતો. બીજી તરફ શાસકપક્ષના સુરેશ કટારમલે જણાવ્યું હતું કે પાણીની ચિંતા સાંસદ, ધારાસભ્ય, મેયર અને અધિકારીઓ કરી જ રહ્યા છે, જ્યારે નિલેષ હાડાએ વિવિધ વોર્ડમાં થતા પાણીના બગાડ અટકાવવા જરૂરી પગલાં લેવાની માગ કરી હતી.
સભાના અંતિમ અને સૌથી મહત્વના એજન્ડા તરીકે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોગ-2026 ને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ બાયલોગ હેઠળ ખુલ્લા કચરાના પોઈન્ટ્સને ધીમે ધીમે સદંતર નાબૂદ કરવા, ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવો તેમજ કચરાનું 4 વિભાગમાં વર્ગીકરણ કરીને યોગ્ય નિકાલ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ચર્ચામાં શાસક જૂથના સભ્ય સુભાષ જોષીએ આગામી દિવાળીના તહેવારોમાં કચરો વધવાની સંભાવના વ્યક્ત કરી રાત્રે વધારાના વાહનો દોડાવીને કચરો ઉપડાવવા અને પૂરતો સ્ટાફ ફાળવવા સૂચન કર્યું હતું. અંતે તમામ સભ્યોએ દિવાળી અને નવવર્ષની શુભેચ્છાઓ પાઠવીને સભાનું સમાપન કર્યું હતું.
