ટ્રેનમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે રેલવે તંત્ર દ્વારા એક અત્યંત મહત્ત્વનો અને સુરક્ષાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનોમાં વધતી જતી આગની દુર્ઘટનાઓ અને શોર્ટ સર્કિટના બનાવોને અટકાવવા માટે રેલવે બોર્ડે હવે રાત્રિના સમયે ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવાના નિયમનું ચુસ્તપણે પાલન કરાવવા તમામ ઝોનલ રેલવેને આદેશ આપ્યો છે. આ નવા નિયમ મુજબ હવે કોઈપણ ટ્રેનમાં રાત્રે ૧૧.૦૦ વાગ્યાથી લઈને સવારે ૫.૦૦ વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત બંધ જ રાખવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન મુસાફરોને કોઈ જ છૂટછાટ આપવામાં આવશે નહીં.
આ કડક પગલું લેવા પાછળનું મુખ્ય કારણ દક્ષિણ પૂર્વ રેલવેમાં બનેલી એક ગંભીર ઘટના છે, જ્યાં ચાલુ ટ્રેન દરમિયાન ચાર્જિંગ પર મૂકેલી એક પાવર બેંક ફાટી ગઈ હતી અને તપાસમાં બહાર આવ્યું હતું કે તે સમયે કોચમાં નિયમ છતાં ચાર્જિંગ પોઈન્ટ ચાલુ રાખવામાં આવ્યા હતા. અગાઉ ૧૯-જૂન-૨૦૧૪ અને માર્ચ-૨૦૨૧ માં પણ આ અંગેના આદેશો જારી થયા હતા, પરંતુ હવે ઈલેક્ટ્રોનિક ઉપકરણો બેટરી ઓવરહીટિંગ કે શોર્ટ સર્કિટના કારણે આગ ન પકડે તે માટે તંત્ર વધુ એલર્ટ બન્યું છે.
હવે આ નિયમનું કાગળ પર નહીં પણ જમીની સ્તરે ચોકસાઈથી પાલન થાય તે માટે રેલવે બોર્ડે ઓનબોર્ડ સ્ટાફને સ્પષ્ટ સૂચનાઓ આપી દીધી છે. નિયમનું પાલન થાય છે કે નહીં તે જોવા માટે અધિકારીઓ અને સુપરવાઈઝરો દ્વારા ટ્રેનોમાં અચાનક (સરપ્રાઈઝ) ચેકિંગ પણ કરવામાં આવશે અને જો કોઈ કર્મચારીની બેદરકારી સામે આવશે તો તેની સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા મુસાફરોને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રેનમાં ચડતા પહેલા જ પોતાના મોબાઈલ અને ગેજેટ્સ ફુલ ચાર્જ કરીને જ પ્રવાસ શરૂ કરે.
