JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ વિવાદમાં કોર્ટનો મોટો વચગાળાનો ઓર્ડર

Oct 28, 2026 | 16:26 | By JAMNAGAR MIRROR
જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ વિવાદમાં કોર્ટનો મોટો વચગાળાનો ઓર્ડર
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં કંચનબેન હરીયાની ટ્રસ્ટી તરીકેની નિમણૂક વિરુદ્ધના કેસમાં કોર્ટે જીનેશ શાહના ફેરફાર રિપોર્ટ પર આગામી હુકમ સુધી સ્ટે મૂક્યો છે. સાથે જ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને બેંક વ્યવહારો બાબતે પણ મહત્વના પ્રતિબંધો ફરમાવ્યા છે.

જામનગરના જાણીતા ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં ચાલી રહેલો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચ્યો છે, જ્યાં સેશન્સ અદાલતે એક મહત્વપૂર્ણ વચગાળાનો ઓર્ડર આપ્યો છે. આ સમગ્ર મામલાની શરૂઆત વર્ષ 2020ની સ્કીમ મુજબ ટ્રસ્ટના ચેરમેન અને દાતા પરિવારના જયંતિભાઈ હરીયા દ્વારા પોતાની સત્તાનો ઉપયોગ કરીને કંચનબેન હરીયાની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવાથી થઈ હતી. આ નિમણૂકનો અપીલ પિરિયડ પૂરો થયા બાદ આસી. ચેરિટી કમિશનરના હુકમથી કંચનબેન ટ્રસ્ટીપદે બિરાજમાન થયા હતા, પરંતુ ટ્રસ્ટના જ બીજા જૂથ દ્વારા આ નિમણૂક સામે વાંધો ઉઠાવીને જોઈન્ટ ચેરિટી કમિશનર સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી.

આ વિવાદમાં જોઈન્ટ ચેરિટી કમિશનરે કંચનબેન હરીયાની વિરુદ્ધમાં હુકમ પસાર કર્યો હતો, જેના પગલે કંચનબેન દ્વારા જામનગરની એડી. ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જોઈન્ટ ચેરિટી કમિશનરના ઓર્ડર સામે સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. હાલ આ કેસ કોર્ટમાં વિચારણા હેઠળ છે અને તે દરમિયાન કંચનબેન પક્ષના વકીલો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને રાખીને કોર્ટે વચગાળાનો આદેશ જારી કર્યો છે. કોર્ટે પોતાના હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે જીનેશભાઈ શાહ નામના વ્યક્તિને ટ્રસ્ટની કોઈ પણ જગ્યા કે મિલકતમાં પ્રવેશવા દેવામાં નહીં આવે અને તેઓ બેંક વ્યવહારો કે અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ નહીં લઈ શકે.

કોર્ટના આ તાજા ઓર્ડર મુજબ જીનેશભાઈ શાહના ટ્રસ્ટી તરીકેના ફેરફાર રિપોર્ટ પર આગામી સુનાવણી અને આદેશ સુધી રોક એટલે કે સ્ટે લગાવી દેવામાં આવ્યો છે. ટ્રસ્ટની અંદર ચાલતી આ ખેંચતાણને કારણે શૈક્ષણિક જગતમાં અને ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોમાં ભારે ચર્ચા જાગી છે. આ કાનૂની લડાઈનું શું પરિણામ આવે છે અને આગામી દિવસોમાં કોર્ટ શું નવો ફેંસલો આપે છે તેના પર બધાની નજર ટકેલી છે.

LATEST ARTICLES