ફ્લોરિડાના ફોર્ટ લાઉડરડેલ ખાતે રહેતી ૧૫ વર્ષની વિદ્યાર્થીની બેઈલી ક્વિન ફ્રેન્કે માત્ર થોડા જ ખર્ચે હવામાંથી બેક્ટેરિયલ ડીએનએ કલેક્ટ કરી શકે તેવું એક શાનદાર ઉપકરણ વિકસાવીને કમાલ કરી છે. 27 ઓક્ટોબરના રોજ જાહેર કરાયેલી 2026 થર્મો ફિશર સાયન્ટિફિક જુનિયર ઇનોવેેટર્સ ચેલેન્જ સ્પર્ધામાં તેને 25,000 ડૉલરનો ટોપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. યુએસના 47 સ્ટેટ્સ અને 5 ટેરિટરીમાંથી આવેલી લગભગ 2,000 અરજીઓમાંથી પસંદ કરાયેલા 30 ફાઇનલિસ્ટ્સમાંથી બેઈલી વિજેતા તરીકે ઉભરી આવી હતી.
બેઈલીએ એક નાની ફેન અને ફિલ્ટર પેપરનો ઉપયોગ કરીને આ લો-કોસ્ટ પર્યાવરણીય ડીએનએ સેમ્પલર તૈયાર કર્યું હતું. જ્યારે આ ઉપકરણ ચાલુ કરવામાં આવે છે ત્યારે ફેન હવા ખેંચે છે અને હવામાં રહેલું બેક્ટેરિયલ ડીએનએ ફિલ્ટર પેપર પર જમા થઈ જાય છે. તેના રિસર્ચમાં ઘરની અંદરની હવામાં માણસો સાથે જોડાયેલા બેક્ટેરિયા વધુ જોવા મળ્યા હતા, જ્યારે બહારની હવામાં માટી, પાણી અને છોડના બેક્ટેરિયા જોવા મળ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો કે જ્યાં મોંઘા સાધનો ઉપલબ્ધ નથી હોતા, ત્યાં આ સસ્તું ઉપકરણ પર્યાવરણીય સ્વાસ્થ્યના જોખમો તપાસવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
સેલિયાક ડિસીઝ સામેની અંગત લડત અને બાળપણના અનુભવોમાંથી પ્રેરણા મેળવીને બેઈલીએ આ દિશામાં સંશોધન કર્યું હતું. રિસર્ચ ઉપરાંત તેને ડિજિટલ આર્ટ, વોટરકલર અને ક્લે પ્રોજેક્ટ્સનો શોખ છે તેમજ તે ટેક્નોલોજી સ્ટુડન્ટ એસોસિએશન સાથે પણ જોડાયેલી છે. આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં માત્ર પ્રોજેક્ટ જ નહીં પરંતુ ટીમ વર્ક, ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ જેવા પડકારોનો પણ સમાવેશ થતો હતો. બેઈલીની આ સફળતા સાબિત કરે છે કે જો યુવા મગજોને યોગ્ય તક મળે, તો તેઓ ઓછા ખર્ચે દુનિયાની મોટી સમસ્યાઓનો સ્માર્ટ ઉકેલ લાવી શકે છે.
