ભારતીય ડિફેન્સ સેક્ટરમાંથી એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટૂબ્રો અને BAE સિસ્ટમ્સે બુધવારે ભારતીય સેના માટે ખાસ BVS 10 સિંધુ ઓલ-ટેરેન વ્હીકલ એટલે કે ATVનું પ્રોડક્શન શરૂ કરવાની જાહેરાત કરી છે. ભારતીય સેના દ્વારા આ શક્તિશાળી વાહનો માટેનો ઓર્ડર આપવામાં આવ્યા બાદ આ પ્રોડક્શન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ખાસ વાહનો વૈશ્વિક સ્તરે અનેક સંઘર્ષોમાં પોતાની તાકાત સાબિત કરી ચૂક્યા છે અને હવે તે દેશની સરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે તૈયાર થઈ રહ્યા છે.
આ યોજના અંતર્ગત સેનાના પાવરને વધારવા માટે કુલ 18 યુનિટ ATVનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ વાહનોને ખાસ કરીને લદ્દાખના અતિશય મુશ્કેલ અને પહાડી વિસ્તારોમાં તૈનાત કરવાનું આયોજન છે, જ્યાં હવામાન અત્યંત પ્રતિકૂળ હોય છે અને આ વાહનો દરિયાની સપાટીથી 18000 ફૂટની ઊંચાઈએ પણ ખૂબ જ સરળતાથી ઓપરેટ કરી શકે છે. બીજી બાજુ, પડોશી દેશ પાકિસ્તાન દ્વારા પણ કચ્છના રણ વિસ્તારમાં સૈન્ય હિલચાલ અને પેટ્રોલિંગ માટે ATVનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં આ વાહનો 55 ડિગ્રી સેલ્સિયસ સુધીના ભારે તાપમાનમાં પણ રણ, દલદલ અને કચ્છના વિસ્તારમાં સૈનિકોની અવરજવર માટે ઉપયોગમાં લેવાય છે.
આગામી સમયમાં ભારતીય સેનાના કાફલામાં આ અત્યાધુનિક વાહનો જોડાવાથી દુર્ગમ બોર્ડર એરિયામાં પેટ્રોલિંગ અને સૈન્ય સામગ્રીની હેરાફેરી ખૂબ જ ઝડપી અને સરળ બની જશે. અત્યંત ઠંડી અને બરફાચ્છાદિત હાઈ-એલ્ટિટ્યુડ જગ્યાઓ પર જ્યાં સામાન્ય વાહનો જઈ શકતા નથી, ત્યાં આ ATV સૈનિકો માટે સૌથી મોટો સહારો બનશે. આ પ્રોડક્શન શરૂ થવાથી મેક ઇન ઇન્ડિયા પહેલને પણ નવું પ્રોત્સાહન મળ્યું છે અને આપણી આર્મીની ઓપરેશનલ ક્ષમતામાં મોટો વધારો જોવા મળશે.
