પાકિસ્તાનમાં ગેસની ગંભીર કટોકટી સર્જાઈ છે કારણ કે LPGના ભાવ વધીને કેટલાક વિસ્તારોમાં પ્રતિ કિલો 600 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ઈરાન સાથેના સરહદી વિસ્તારો બંધ થવાથી ત્યાંથી થતી આયાત પર મોટી અસર પડી છે, જેના કારણે શિયાળાની શરૂઆત પહેલા જ ગેસની ભારે તંગી ઊભી થઈ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે સામાન્ય પરિવારોને રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડર છોડીને લાકડા અને કોલસાનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. આ કટોકટી વચ્ચે પાકિસ્તાનનું ગેસ સેક્ટરનું સરક્યુલર ડેબ્ટ અને સપ્લાયર્સનું બાકી લેણું વધીને 5.454 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગયું છે, જેણે દેશની આર્થિક મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે.
આંકડાકીય વિગતોની વાત કરીએ તો, બલૂચિસ્તાનમાં જે ઘરેલુ LPG સિલિન્ડર અગાઉ આશરે 4500 રૂપિયામાં મળતો હતો તે હવે વધીને લગભગ 7000 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં તો કિંમતો સત્તાવાર દર કરતા બે ગણી એટલે કે પ્રતિ કિલો 600 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ગાબ્દ-રિમદાન અને તફ્તાન બોર્ડર ક્રોસિંગ બંધ થવાથી ઈરાનથી દરરોજ આવતી આશરે 7000 મેટ્રિક ટન LPGની આયાત ઠપ થઈ ગઈ છે અને ટેન્કરો રસ્તામાં જ ફસાયા છે. બીજી તરફ, પાકિસ્તાનમાં છેલ્લા 5 વર્ષમાં કુદરતી ગેસનું સ્થાનિક ઉત્પાદન પણ ઘટી ગયું છે, જે નાણાકીય વર્ષ 2020માં રોજિંદા 3597 મિલિયન ક્યુબિક ફીટથી ઘટીને નાણાકીય વર્ષ 2025માં 2890 મિલિયન ક્યુબિક ફીટ થઈ ગયું છે, જે આશરે 20 ટકાનો મોટો ઘટાડો દર્શાવે છે.
ફેડરલ એનર્જી મિનિસ્ટર અલી પરવેઝ મલિકના જણાવ્યા અનુસાર, 30 જૂન 2026 સુધીમાં સેક્ટરનું કુલ સરક્યુલર ડેબ્ટ 3.631 ટ્રિલિયન રૂપિયા અને સપ્લાયર્સને ચૂકવવાની બાકી રકમ 1.823 ટ્રિલિયન રૂપિયા હતી. ગેસના ક્ષેત્રોમાં ઘટાડો થવા અને નવા સંશોધનો ન થવાને કારણે પાકિસ્તાન વિદેશી આયાત પર નિર્ભર બન્યું છે, પરંતુ આયાતી LNGના યોગ્ય વ્યવસ્થાપનમાં પણ દેશ નિષ્ફળ ગયો છે. આગામી દિવસોમાં જો આ આર્થિક અને વ્યવસ્થાપકીય પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે, તો સામાન્ય જનતા માટે મોંઘવારી અને બળતણની અછતની સમસ્યા વધુ વિકટ બનશે.
