માર્ચ 1969માં યુદ્ધના માહોલ વચ્ચે તૈનાત 21 વર્ષના યુવા સૈનિક ફ્રેન્ક એ. કોવાલ્ચિકને પત્ર લખવાનો કંટાળો આવતો હતો, જેથી તેણે એક સાથી સૈનિક પાસેથી ટેપ રેકોર્ડર ખરીદીને પોતાની મમ્મી માટે ઓડિયો મેસેજ બનાવવાનું નક્કી કર્યું. ઇલિનોઇસમાં રહેતી પોતાની મમ્મી સાથેની આ વાતચીતમાં તેણે આર્મીની લાઈફ, સાથી સૈનિકો, પારિવારિક ગપ્પા અને ભવિષ્યની યોજનાઓ વિશે ખુલીને વાત કરી હતી. અંદાજે 43 મિનિટના આ રેકોર્ડિંગમાં તેણે 8,600થી વધુ શબ્દો બોલ્યા હતા, જે દરમિયાન પૃષ્ઠભૂમિમાં પસાર થઈ રહેલા હેલિકોપ્ટરનો અવાજ હજારો માલ દૂર ચાલી રહેલા યુદ્ધની વાસ્તવિકતા બયાન કરતો હતો.
આ રેકોર્ડિંગ કોઈ ઔપચારિક સૈનિક ઇતિહાસ નહોતો, પરંતુ ઘરથી દૂર બેઠેલા એક યુવાનની પરિવાર સાથેની સાદી અને સહજ વાતચીત હતી. ફ્રેન્કે મમ્મીને પપ્પાના કામના સમય વિશે પૂછ્યું, ભાઈ-બહેનોની ખબર અંતર પૂછ્યા અને પડોશીઓના લગ્ન વિશે ચર્ચા કરી. તેણે સૈન્યની દિનચર્યા, ભોજન, હવામાન અને વિયેટનામી ભાષા શીખવાના પોતાના અનુભવો પણ શેર કર્યા. આ ઓડિયોમાં તેણે એક સાથી સૈનિક વિશે પણ દુઃખ વ્યક્ત કર્યું જે સમયસર મદદ ન મળવાને કારણે બંકરમાં લોહીલુહાણ થઈને મૃત્યુ પામ્યો હતો. રેકોર્ડિંગ દરમિયાન જ્યારે માથેથી હેલિકોપ્ટર પસાર થાય છે ત્યારે તે પોતાની મમ્મીને કહે છે કે બેકગ્રાઉન્ડમાં તમને ચોપરનો અવાજ સંભળાતો હશે, જે વાચકો અને શ્રોતાઓને તે સમયના માહોલનો અહેસાસ કરાવે છે.
વિયેટનામ યુદ્ધના સમયમાં સૈનિકો અને તેમના પરિવારો વચ્ચે જોડાણ જાળવી રાખવા માટે આવી ઓડિયો કેસેટ્સ એક ઉત્તમ માધ્યમ બની ગઈ હતી, જેને સૈનિકો મફત પોસ્ટલ વ્યવસ્થા દ્વારા પોતાના સ્વજનોને મોકલી શકતા હતા. દાયકાઓ સુધી પરિવાર પાસે સચવાયેલી આ ટેપને વર્ષ 2011માં કોવાલ્ચિકના પરિવાર દ્વારા વોશિંગ્ટનના સ્મિથસોનિયન નેશનલ પોસ્ટલ મ્યુઝિયમને દાનમાં આપવામાં આવી હતી. વર્ષ 2024માં ફ્રેન્કનું અવસાન થયું, પરંતુ આજે આ રેકોર્ડિંગ એક ઐતિહાસિક દસ્તાવેજ બની ગયું છે જેમાં શ્રોતાઓ તેમનો શિકાગોનો લહેકો અને આજુબાજુના અવાજો સાંભળી શકે છે.
