ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ફટાકડાના કારખાનાઓમાં અવારનવાર થતા જીવલેણ વિસ્ફોટો અને તેમાં માસૂમોના મોતના બનાવો બાદ હવે રાજ્ય પોલીસ તંત્ર પૂરતી સજ્જતા સાથે એક્શન મોડમાં આવી ગયું છે. ફટાકડાનું ગેરકાયદે ઉત્પાદન કરતા યુનિટો અને નિયમ વિરુદ્ધ જથ્થો સંઘરતા ગોડાઉનો સામે સમગ્ર રાજ્યમાં કડક કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના આદેશથી તમામ જિલ્લાઓના પોલીસ વડાઓ ફાયર બ્રિગેડની ટીમો સાથે મળીને ગામેગામ અને શહેરોની સીમાડાની નિર્જન જગ્યાઓ પર તપાસ કરી રહ્યા છે. અસુરક્ષિત બાંધકામો, રહેણાંક વિસ્તારો અને અપૂરતી સુવિધાવાળા ગોડાઉનોમાં મોટા પાયે થતો ફટાકડાનો સંગ્રહ પોલીસ માટે સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે, જેને ડામવા માટે બાતમીદારોનું નેટવર્ક પણ સક્રિય કરી દેવાયું છે.
આ ડ્રાઈવ અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં PESO ના કડક નિયમોનું પાલન ન કરતા 19 એકમો પર બુલડોઝર ફેરવીને તેમને તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે માત્ર પૂરતી સુરક્ષા સુવિધા ધરાવતા 20 એકમોને જ લાયસન્સ આપવામાં આવ્યા છે. બીજી તરફ, અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટને ફટાકડાની દુકાનો માટે કુલ 150 અરજીઓ મળી છે. આ અંગે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ સ્પષ્ટ કર્યું છે કે દરેક અરજીની ઝીણવટભરી તપાસ કરાશે અને સુરક્ષા સાધનો તથા લોકેશનની પૂરી ચકાસણી કર્યા બાદ જ પોલીસને આખરી મંજૂરી માટે અભિપ્રાય પત્ર અપાશે. ભૂતકાળમાં ગેરકાયદે ફટાકડા બનાવતા પકડાયેલા શખ્સોની પ્રવૃત્તિઓ પર પણ પોલીસ હાઈ એલર્ટ રહીને નજર રાખી રહી છે.
રાજ્યમાં અગાઉ બનેલી કેટલીક મોટી હોનારતોમાં કુલ 31 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જેમાંથી 18 જુલાઈ 2026ના રોજ રામોલ સ્થિત ન્યૂ ગુજરાત ફાયરવર્ક્સમાં લાયસન્સની મુદત પૂરી થઈ ગયા પછી પણ ધમધમતા કારખાનામાં બ્લાસ્ટ થતાં બાળકો સહિત 10 લોકોના મોત થયા હતા. આ પહેલા 27 જૂન 2026ના રોજ કપડવંજમાં ગેરકાયદે ચાલતા એકમમાં આગ લાગવાથી બે મજૂરો દાઝ્યા હતા, જ્યારે 1 એપ્રિલ 2025ના રોજ ડીસા ખાતે મંજૂરી રદ થઈ હોવા છતાં ચાલતા ગેરકાયદે ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 21 લોકો ભસ્મીભૂત થઈ ગયા હતા. આ તમામ દર્દનાક દુર્ઘટનાઓથી સબક લઈને હવે પ્રશાસને કોઈ પણ ભોગે માનવ જિંદગીઓ સાથે ચેડાં કરતા તત્વોને સાંખી ન લેવાનો નિર્ધાર કર્યો છે.
