ભારતે રાજદ્વારી સ્તરે એક મોટું કદમ લેતા પાકિસ્તાનને મહત્વની બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. આગામી 20 થી 22 નવેમ્બર દરમિયાન દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રથમ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય મંચ માટે ભારતે તમામ 10 SCO સભ્ય દેશોને સત્તાવાર રીતે આમંત્રિત કર્યા છે, જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. આ બેઠકનો મુખ્ય હેતુ સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનો અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનો છે.
આ આમંત્રણ એટલા માટે પણ ખૂબ ખાસ છે કારણ કે, પહેલગામ આતંકવાદી હુમલા પછી મે 2025 માં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. આ સૈન્ય કાર્યવાહી બાદ બંને દેશોના સંબંધોમાં ભારે તણાવ જોવા મળ્યો હતો, અને આ લશ્કરી ઓપરેશન પછી કોઈ વરિષ્ઠ પાકિસ્તાની મંત્રીને આપવામાં આવેલું આ પ્રથમ આમંત્રણ છે. ભારતે પાકિસ્તાનના રાષ્ટ્રીય વારસો અને સંસ્કૃતિ મંત્રી ઔરંગઝેબ ખાન ખીચીને આ ફોરમમાં ભાગ લેવા માટે નોતરું મોકલ્યું છે.
જો પાકિસ્તાની મંત્રી ઔરંગઝેબ ખાન ખીચી આ બેઠકમાં આવવા માટે સંમતિ આપે છે, તો તે મે 2023 માં ગોવામાં મળેલી SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની મીટિંગ પછી કોઈ વરિષ્ઠ પાકિસ્તાની મંત્રીની ભારતની પ્રથમ મુલાકાત બનશે. અગાઉ 20 ઓક્ટોબરના રોજ તાજિકિસ્તાનના દુશાંબે ખાતે યોજાયેલી SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ફોરમ યોજાવાની સત્તાવાર જાહેરાત કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે તમામ મિત્ર દેશોને તેમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે.
