અમેરિકાના કુખ્યાત સિરિયલ કિલર ટેડ બંડીના પાપોનો ઘડો વર્ષો પછી પણ ફૂટતો જોવા મળી રહ્યો છે. ડીએનએ ટેસ્ટિંગમાં થયેલી અત્યાધુનિક પ્રગતિના કારણે અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે 1974માં બનેલી એક યુવતીની હત્યા પાછળ ટેડ બંડીનો જ હાથ હતો. બંડી ભલે 1989થી મૃત્યુ પામ્યો છે, પરંતુ તેના ગુનાઓનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. 1970ના દાયકામાં તેણે વિવિધ સ્ટેટ્સમાં ઓછામાં ઓછી 30 મહિલાઓ અને યુવતીઓની હત્યા કરી હતી, જ્યારે કેટલાક નસીબદાર તેના ચુંગલમાંથી બચી પણ ગયા હતા. સમિટ કાઉન્ટીના એટર્ની માર્ગારેટ ઓલ્સને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લાંબા સમયથી કોલ્ડ કેસ તરીકે ફાઈલ થયેલી 17 વર્ષની Melissa Ann Smithની 1974ની હત્યાનો હવે સંતોષકારક ઉકેલ આવી ગયો છે.
આ કેસને ઉકેલવા માટે અધિકારીઓએ Melissa અને Laura Aime નામના અન્ય પીડિતના શરીર પરથી મળેલા ડીએનએ વચ્ચેના મહત્વના કનેક્શન્સ જોડ્યા હતા. બંડીનું ડીએનએ ફ્લોરિડામાં પહેલેથી જ રેકોર્ડ પર હતું, જ્યાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ફાંસી આપવામાં આવી હતી. આ પુરાવા ઉપરાંત Melissaની હત્યાની પદ્ધતિ પણ બંડીની મોડસ ઓપરેન્ડી સાથે બિલકુલ મેચ થતી હતી. યુટાહની સ્ટેટ ક્રાઈમ લેબને 2023માં એક નવી ટેક્નોલોજી મળી હતી, જેનાથી જૂના કે નષ્ટ થયેલા સેમ્પલમાંથી પણ ડીએનએ એક્સટ્રેક્ટ કરી શકાય છે. પીડિતાના પિતા સોલ્ટ લેક સિટી નજીક મિડવેલના પોલીસ ચીફ હતા. Melissa 18 ઓક્ટોબર 1974ના રોજ ગાયબ થતા પહેલા એક પિઝા પાર્લર અને રેસ્ટોરન્ટમાં ગઈ હતી, અને તેના 9 દિવસ પછી તેનો મૃતદેહ સમિટ કાઉન્ટીમાંથી મળી આવ્યો હતો.
ટેડ બંડીને ફ્લોરિડામાં ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીની સોરોરિટી હાઉસમાં બે મહિલાઓની હત્યા સહિત 3 મર્ડરના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ 1989માં ઇલેક્ટ્રિક ચેર પર બેસાડીને મોતની સજા આપવામાં આવી હતી. તેના જીવનના અંતિમ દિવસોમાં તેણે કેટલાક એવા ગુનાઓની પણ કબૂલાત કરી હતી જેના વિશે પોલીસ અજાણ હતી. ફ્લોરિડા અને યુટાહ ઉપરાંત કોલોરાડો, ઇડાહો અને વોશિંગ્ટન સ્ટેટમાં પણ તેના શિકારો હોવાનું બહાર આવ્યું છે. હવે પોલીસ 1974માં ગાયબ થયેલી 16 વર્ષની Nancy Wilcoxના કેસને ઉકેલવા માટે પણ તપાસ કરી રહી છે. અધિકારીઓનું માનવું છે કે સાયન્સની મદદથી પુરાવાઓ સાચવી રાખવાથી આવા હીચકારા અપરાધોનો ભેદ ઉકેલવામાં ઘણી મોટી મદદ મળે છે.
