JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

કારગીલના હીરો કેપ્ટન વિક્રમ બત્રાના ભાઈ વિશાલ બત્રાએ યાદ કર્યા બાળપણથી યુદ્ધના દિવસો

Oct 28, 2026 | 14:36 | By JAMNAGAR MIRROR
કારગીલના હીરો કેપ્ટન વિક્રમ બત્રાના ભાઈ વિશાલ બત્રાએ યાદ કર્યા બાળપણથી યુદ્ધના દિવસો
કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા કેપ્ટન વિક્રમ બત્રા ઉર્ફે શેરશાહના ટ્વીન ભાઈ વિશાલ બત્રાએ તાજેતરમાં એક પુસ્તક દ્વારા ભાઈ સાથેની યાદો વાગોળી છે. 27 વર્ષ પછી પણ ભાઈનો સાથ છૂટ્યાનો ખાલીપો અને એક જોડિયા ભાઈ તરીકેના લાગણીસભર સંસ્મરણો તેમણે શેર કર્યા છે.

દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર કારગીલ યુદ્ધના અમર હીરો કેપ્ટન વિક્રમ બત્રાની વીરતાથી તો આખો દેશ પરિચિત છે, પરંતુ આ યુનિફોર્મ પાછળ છુપાયેલા એક સામાન્ય યુવાન અને ભાઈની કહાની ક્યારેક જ બહાર આવે છે. કેપ્ટન વિક્રમ બત્રાના ટ્વીન ભાઈ વિશાલ બત્રાએ 'Yeh Dil Maange More: Remembering Captain Vikram Batra, My Brother' પુસ્તક દ્વારા તેમના જીવનના વણકહેલા પાસાઓ ઉજાગર કર્યા છે. 09 માર્ચ 1999ના રોજ નિઝામુદ્દીન સ્ટેશન પર થયેલી છેલ્લી મુલાકાતથી લઈને પાલમપુરના સાધારણ ઘરમાંથી નીકળીને રાષ્ટ્રીય હીરો બનવા સુધીની સફર આ પુસ્તકમાં વર્ણવવામાં આવી છે. પોઇન્ટ 5140 જીત્યા પછી કેપ્ટન વિક્રમે આપેલું 'Yeh Dil Maange More' સૂત્ર આજે પણ દેશના યુવાનોમાં દેશભક્તિની આગ જગાવે છે, પરંતુ પરિવાર માટે એ જીતની કિંમત એક ખાલી ખુરશી અને ક્યારેય ન ભરાતી ખાલીપો રહી ગઈ છે.

વિશાલ બત્રા યાદ કરે છે કે 27 વર્ષ પહેલાં જ્યારે તેઓ છૂટા પડ્યા હતા, ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે તે છેલ્લી મુલાકાત હશે. સોપોર અને કમાન્ડો કોર્સ પછી વિક્રમની નિડરતા વધી ગઈ હતી અને મોતનો ડર તેમનામાંથી નીકળી ગયો હતો. પરિવાર હંમેશાં તેમને એક દીકરા, ભાઈ અને મિત્ર તરીકે જોતો હતો. પાલમપુરમાં એવું આયોજન હતું કે પોઇન્ટ 5140 ફતેહ કરીને પરત ફરતા વિક્રમનું ખુલ્લી જીપમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે, પરંતુ વિધિની વક્રતા જુઓ કે તેના બદલે તેમનો પાર્થિવ દેહ જ તિરંગામાં લપેટાઈને આવ્યો. શહીદીના થોડા દિવસો પહેલાં જ 05 જુલાઈ 1999ના રોજ લખાયેલો વિક્રમનો છેલ્લો પત્ર આજે પણ મુશ્કેલ સમયમાં વિશાલ માટે પ્રેરણા સ્ત્રોત બને છે, જેમાં તેણે જીવનમાં તણાવ ન લઈને પ્રમાણિકપણે મહેનત કરવાની સલાહ આપી હતી.

જોડિયા ભાઈ હોવાને કારણે બંનેએ સાથે મળીને જે સપનાં જોયાં હતાં તે કારગીલ યુદ્ધમાં ચકનાચૂર થઈ ગયાં, છતાં ટ્વીન બોન્ડ ક્યારેય મરતું નથી અને વિક્રમ આકાશમાંથી આજે પણ માર્ગદર્શન આપતા રહે છે તેમ વિશાલ માને છે. પાકિસ્તાન સાથેના સંબંધો વિશે વાત કરતા તેઓ સ્પષ્ટપણે કહે છે કે પાકિસ્તાન પર ક્યારેય આંખ બંધ કરીને ભરોસો ન કરી શકાય, છતાં શાંતિ જાળવવા માટે રાજકીય સ્તરે વાતચીત ચાલુ રાખવી જરૂરી છે. દેશના યુવાનોને સંદેશ આપતા વિશાલ કહે છે કે દેશભક્તિ માટે હંમેશાં સૈનિક યુનિફોર્મ પહેરવો જરૂરી નથી, પરંતુ પોતાના ક્ષેત્રમાં રહીને દેશને સ્વચ્છ રાખવો, વડીલોનું માન જાળવવું અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ પણ સાચી દેશભક્તિ છે.

LATEST ARTICLES