અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા સતત સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે, જેમાં વટવા નાર્કોટિક્સ સ્ક્વોડને એક મોટું આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા રોપડા ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં કેટલાક શખ્સો પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્યાં નાકાબંધી ગોઠવી દીધી હતી અને શંકાસ્પદ જણાતા બે શખ્સોને અટકાવીને તેમની સઘન તલાશી લીધી હતી. આ તપાસ દરમિયાન તેમની પાસેથી 9.920 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં તેમની ઓળખ કરીમશા મહેબુબશા રફાઈ અને રિજવાના આમદભાઈ સેહતા તરીકે થઈ છે અને આ બંને મૂળ જૂનાગઢના રહેવાસી છે. બજારમાં પકડાયેલા આ 9.920 કિલો ગાંજાની કિંમત અંદાજે 4,96,000 રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી 5,270 રૂપિયા રોકડા, 2 મોબાઈલ ફોન, કોટક મહિન્દ્રા બેંકનું ડેબિટ કાર્ડ અને અન્ય જરૂરી ઓળખ પુરાવાઓ પણ કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ નશીલો પદાર્થ ઓડિશાના ઝારસુગુડામાં રહેતા રબીદાસ નામના મુખ્ય ડ્રગ પેડલરે સપ્લાય કર્યો હતો અને તેને ટ્રેન કે ખાનગી વાહન મારફતે ગુજરાત લાવવામાં આવ્યો હતો. આ માલ અમદાવાદમાં ડિલિવર કરીને બાદમાં સૌરાષ્ટ્રના બજારોમાં એટલે કે જૂનાગઢ અને વેરાવળ તરફ સપ્લાય કરવાનો પ્લાન હતો.
આ સમગ્ર રેકેટમાં જૂનાગઢના આદિલ અશરફભાઈ સૈયદ અને વેરાવળના ફૈઝાન મેમણ નામના શખ્સો પણ સક્રિય હોવાનું બહાર આવતાં વટવા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આરોપીઓના મોબાઈલ કોલ ડિટેઇલ્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની કડીઓ જોડી રહી છે જેથી નાણાકીય લેવડદેવડના વધુ પુરાવા મળી શકે. આ કેસમાં વોન્ટેડ બનેલા ઓડિશાના સપ્લાયર રબીદાસ તેમજ જૂનાગઢ અને વેરાવળના અન્ય ફરાર આરોપીઓને દબોચી લેવા માટે વટવા પોલીસની વિશેષ ટીમોએ ચક્રો ગતિમાન કર્યા છે અને તેમને ઝડપી પાડવાની તજવીજ શરૂ કરી દીધી છે.
