હાલમાં જ સાયબર રિસર્ચર્સ દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે સાયબર ક્રિમિનલ્સ હવે હુમલાઓ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. TrendAI દ્વારા કરવામાં આવેલા ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે સાયબરસ્ટ્રાઈક AI નામના ઓપરેશનમાં 44 જેટલા AI એજન્ટ્સનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે ઓટોમેટિક સાયબર હુમલા કરવામાં આવ્યા હતા. આ AI ટૂલ્સે માત્ર કોડ લખવામાં મદદ કરવાને બદલે ટાર્ગેટ શોધવા, નબળાઈઓ પકડવી, સિસ્ટમમાં ઘૂસણખોરી કરવી, ડેટા ચોરવો અને આખો રિપોર્ટ જનરેટ કરવા જેવા જટિલ કામો જાતે જ પાર પાડ્યા હતા.
આ રિપોર્ટ અનુસાર ઓક્ટોબર મહિનામાં ટૂંકાગાળા દરમિયાન આ પ્લેટફોર્મે ઓછામાં ઓછી 19 ઓર્ગેનાઇઝેશન્સને ટાર્ગેટ કરી હતી, જેમાં જાપાનની 16 કંપનીઓ પણ સામેલ હતી. આ દરેક ઓર્ગેનાઇઝેશનને તેમની નબળાઈઓ ચકાસીને એક સરખા ફોર્મેટમાં રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે આ કોઈ છૂટાછવાયા હૈકર્સે કરેલું કામ નથી પરંતુ એક માળખાકીય અને ઓટોમેટિક પ્રક્રિયા છે. આ ઉપરાંત અન્ય બે અલગ-અલગ કેસોમાં પણ હૈકર્સે લાર્જ લેંગ્વેજ મોડેલ (LLM) ની મદદથી પ્રોપર્ટી, કોમર્શિયલ રેકોર્ડ્સ, વિન્ડોઝ ક્રેડેન્શિયલ અને ઈમેઈલ ડેટાની ચોરી કરવા માટે ટૂલ્સ અને સ્ક્રીપ્ટ્સ તૈયાર કર્યા હોવાનું બહાર આવ્યું છે.
માઈક્રોસોફ્ટના ડાયરેક્ટર ઓફ AI એન્ડ સાયબર સિક્યોરિટી પોલિસી નિકોલસ બટ્સે જણાવ્યું હતું કે હૈકર્સે સિસ્ટમમાં ઘૂસ્યા પછી AI ની મદદથી રેન્સમવેર હુમલાઓની સ્પીડ અને સ્કેલ વધારી દીધા છે. જો કે, AI હજી પણ બેસ્ટ હ્યુમન હૈકર જેટલું હોશિયાર નથી અને સંપૂર્ણપણે જાતે જ બધું નથી કરી શકતું, પરંતુ તેનાથી હુમલાઓ ખૂબ જ ઝડપી બન્યા છે. આ વધતા જોખમને પહોંચી વળવા માટે સાયબર સિક્યોરિટી ટીમોએ પણ હવે AI નો ઉપયોગ કરીને સ્પીડ વધારવી પડશે અને સિસ્ટમની સુરક્ષા મજબૂત કરવી પડશે.
