દેશના જાણીતા અને ગર્વ અપાવનાર પેરા-એથ્લિટ નીરજ યાદવનું મંગળવારે રાત્રે દિલ્હીના એક ફ્લેટમાં શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું છે. માત્ર 7 વર્ષની ઉંમરે પોલિયોનો શિકાર બનવા છતાં હિંમત ન હારનાર 42 વર્ષીય નીરજે કથિત રીતે ઝેર ખાઈને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુખદ ઘટનાથી ભારતીય પેરા-સ્પોર્ટ્સની દુનિયામાં સન્નાટો છવાઈ ગયો છે અને ખેલ જગત સ્તબ્ધ છે. બુધવારે દિલ્હીની જીટીબી હોસ્પિટલ ખાતે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વતની એવા નીરજ યાદવે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવી હતી. 2005થી 2012 સુધી વ્હીલચેર ટેનિસ રમ્યા બાદ તેમણે 2015માં પેરા-એથ્લિટ તરીકે નવી સફર શરૂ કરી હતી. તેમણે જકાર્તામાં યોજાયેલી 2018ની એશિયન પેરા ગેમ્સમાં જેવલિન થ્રોમાં 29.84 મીટરના રેકોર્ડ સાથે દેશ માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી હાંગઝોઉ ખાતે 2023માં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં તેમણે ડિસ્કસ થ્રો અને જેવલિન એમ બંને ઇવેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાના ગોલ્ડ મેડલની સંખ્યા 3 પર પહોંચાડી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું હતું.
જોકે, તેમની કારકિર્દીમાં 2023માં મોટો ફટકો પડ્યો જ્યારે બેંગ્લોરમાં લેવાયેલા સેમ્પલમાં ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવતા નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા, જેના કારણે તેઓ આગામી ટૂર્નામેન્ટ્સમાં રમી શક્યા નહોતા. આ કેસ અને કારકિર્દીના ઉતાર-ચઢાવ વચ્ચે તેમનું આકસ્મિક રીતે દુનિયા છોડી જવું એ પેરા-સ્પોર્ટ્સ માટે ક્યારેય ન ભરી શકાય તેવી ખોટ સાબિત થઈ છે. દેશના આ સાહસી ખેલાડીના અચાનક વિદાયથી ચાહકો અને ખેલ જગતમાં શોકની લહેર દોડી ગઈ છે.
