JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરની ડેન્ટલ કોલેજમાં મહિલાઓ માટે યોજાયો વિશેષ સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ

Oct 28, 2026 | 16:26 | By JAMNAGAR MIRROR
જામનગરની ડેન્ટલ કોલેજમાં મહિલાઓ માટે યોજાયો વિશેષ સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ
જિલ્લા પોલીસ તંત્રના સહયોગથી સુરક્ષા સેતુ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓને મુશ્કેલીના સમયે જાતે રક્ષણ કરવાની પ્રાયોગિક તકનીકો શીખવાડવામાં આવી હતી. સાથે જ નશાબંધી અને કાયકીય જાગૃતિ વિશે પણ માર્ગદર્શન અપાયું હતું.

જામનગરમાં મહિલાઓની સુરક્ષા, આત્મવિશ્વાસ અને સ્વરક્ષણ અંગે જાગૃતિ વધારવાના હેતુથી એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ તંત્રના સહયોગથી સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ તેમજ ફરજ બજાવતી મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સુરક્ષા માટે અન્ય પર નિર્ભર રાખવાને બદલે સજાગતા અને સ્વરક્ષણની ક્ષમતા દ્વારા સશક્ત બનાવવાનો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીના પ્રોજેક્ટ નિયામક એચ. બી. ગોહિલે મહિલાઓને રોજિંદા જીવનમાં સંભવિત જોખમો સામે સતર્ક રહેવા અને મુશ્કેલીના સમયે યોગ્ય નિર્ણય લેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. અમિતભાઈ કુછડીયા, શાહિલ લિંબડ, લખન મોરી અને દીપાલી આંબલિયા દ્વારા તાલીમને માત્ર સૈદ્ધાંતિક ન રાખતા વિવિધ પરિસ્થિતિઓમાં જાતનું રક્ષણ કરવા માટેના પ્રાયોગિક નિદર્શનો પણ બતાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત એસઓજીના પીએસઆઈ એલ. એમ. ઝેરે વિશેષ ઉપસ્થિત રહીને નાર્કોટિક્સ તથા નશીલા પદાર્થોના દૂષણ અંગે યુવાનોને ગંભીર ચેતવણી આપી હતી અને નશાથી દૂર રહેવા તથા આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો.

ડેન્ટલ કોલેજના ડિન ડો. નયના પટેલ, ડો. રીટા ઝા અને સિનિયર સ્ટાફે આ સરાહનીય આયોજનને વધાવ્યું હતું અને આવા કાર્યક્રમો વિદ્યાર્થિનીઓ માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. તાલીમ દરમિયાન અણધારી પરિસ્થિતિમાં ગભરાયા વગર સામનો કરવા, સરકારની વિવિધ મહિલા સુરક્ષા યોજનાઓ, હેલ્પલાઈન સેવાઓ અને કાયદાકીય મદદ મેળવવા વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અંતમાં સહુએ સુરક્ષિત મહિલા અને સશક્ત મહિલાનો સંદેશ સાર્થક કર્યો હતો.

LATEST ARTICLES