રાજકોટ શહેરમાં વ્યાજખોરોના અમાનુષી ત્રાસ અને પઠાણી ઉઘરાણીના કારણે લસણના વેપારી દંપતીએ આપઘાત કરી લેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવ્યા બાદ શહેરમાં ભારે રોષ ફેલાયો હતો. અટીકા ફાટક પાસે આવેલા પોતાના કારખાનામાં આ દર્દનાક પગલું ભરનાર વેપારીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લેતા કુલ 5 વ્યાજખોરો સામે નામજોગ ગુનો દાખલ કર્યો હતો. આ ગંભીર મામલે ભક્તિનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને દબોચી લીધા છે.
પોલીસ પકડમાં આવેલા 3 આરોપીઓમાં ગોગન કાળાભાઈ બધિયા (રહે. મોરબી), નિઝામ અબ્બાસભાઈ ઢુસા (રહે. રાજકોટ) અને ફકરૂનિશા મહમદ હુસેન બુખારી (મહિલા આરોપી, રહે. રાજકોટ)નો સમાવેશ થાય છે. પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે મની લેન્ડર્સ એક્ટ તેમજ દુષ્પ્રેરણની કલમો હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નફ્ફટ વ્યાજખોરો દ્વારા ઊંચા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી દંપતીને સતત ધમકીઓ આપવામાં આવતી હતી, જેના માનસિક દબાણથી કંટાળીને લાચાર બનેલા દંપતીએ ઝેર પી લીધું હતું.
આ કેસમાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાંથી 3 ઝડપાઈ ચૂક્યા છે જ્યારે બાકીના 2 ફરાર આરોપીઓ પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભક્તિનગર પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આ બાકીના બંને આરોપીઓના સંભવિત આશ્રયસ્થાનો પર સતત વોચ ગોઠવીને તેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વ્યાજખોરો સામેની આ લડાઈમાં પોલીસની કડક કાર્યવાહીથી અન્ય બુકીઓ અને વ્યાજખોરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
