અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેણાંક મિલકતમાંથી ધમધમતી પ્રી-પ્રાઇમરી સ્કૂલ સામે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે કડક રૂખ અપનાવતા તેના સંચાલન પર મનાઈહુકમ ફરમાવ્યો છે. કોર્ટે પોતાના મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સરકારી કે વૈધાનિક સત્તામંડળની મંજૂરી મળી ગઈ હોય તો પણ, સોસાયટીના ઉપનિયમોનો ભંગ કરીને રહેણાંક મિલકતનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરી શકાતો નથી. આ કાનૂની લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે સોસાયટીના એક સભ્યએ સોસાયટીની પૂર્વ મંજૂરી લીધા વિના પોતાની રેસિડેન્શિયલ પ્રોપર્ટી અન્ય પક્ષને ભાડે આપીને ત્યાં શાળા શરૂ કરી દીધી હતી.
સોસાયટી દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે રહેણાંક વિસ્તારમાં સ્કૂલ ધમધમવાથી સ્થાનિક રહીશોની શાંતિ હણાય છે, ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, પાર્કિંગની ભારે અછત ઊભી થાય છે અને બાળકોની સુરક્ષા સામે પણ મોટું જોખમ પેદા થાય છે. આ ઉપરાંત પ્રોપર્ટીમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ અને ફેરફારો સામે પણ સ્ટે માંગવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે ટ્રિબ્યુનલમાં રિવિઝન પિટિશન ફાઈલ કરવા માટે સમય માંગતા કોર્ટે અગાઉ 29 ઓક્ટોબર સુધીનો વચગાળાનો સ્ટે આપ્યો હતો, જેની સામે સોસાયટીએ કડક વાંધો ઉઠાવ્યો હતો.
કોર્ટે પોતાના આ નિર્ણયમાં ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અગાઉના મહત્વના કાનૂની ચુકાદાઓનો આધાર લીધો છે. આ ચુકાદાથી એવા તમામ મિલકત માલિકો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે જેઓ સોસાયટીના નિયમો વિરુદ્ધ જઈને રહેણાંક મિલકતો કોમર્શિયલ હેતુ માટે ભાડે આપી દે છે. આ આદેશ બાદ હવે સોસાયટીઓમાં થતા ગેરકાયદેસર વ્યાપારી ધંધાઓ સામે સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળશે અને કાયદાકીય રીતે સોસાયટીના અધિકારો વધુ મજબૂત બન્યા છે.
